FIFA World Cup 2026માં નહીં રમે ઈરાન, ટુર્નામેન્ટમાંથી પરત લીધું પોતાનું નામ

📅 Published: March 11, 2026 | 📂 Category: sports

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે રમતગમત જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને જાહેરાત કરી છે કે તેની નેશનલ ફૂટબોલ ટીમ 2026 ફિફા વર્લ્ડકપમાં ભાગ લેશે નહીં, જે આવતા વર્ષે યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં યોજાવાનો છે.

ટેલિવિઝન પર આ નિર્ણયની જાહેરાત કરતા ઈરાનના રમતગમત મંત્રી અહમદ દોંજમાલીએ કહ્યું કે હાલની પરિસ્થિતિઓમાં તેમની ટીમ માટે રમવા માટે યુએસ જવું શક્ય નથી. તેમને કહ્યું કે તેઓ વર્લ્ડકપમાં ભાગ લેશે નહીં.

રમતગમત મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની હત્યા બાદ દેશની સરકારે આ કડક વલણ અપનાવ્યું છે. તેમને કહ્યું કે આ ભ્રષ્ટ સરકારે અમારા નેતાની હત્યા કરી હોવાથી અમારો વર્લ્ડકપમાં ભાગ લેવાનો કોઈ ઈરાદો નથી. મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક મહિનામાં ઈરાન વિરુદ્ધ મોટા હુમલાઓ કરવામાં આવ્યા છે. તેમના મતે છેલ્લા 8-9 મહિનામાં દેશ પર બે યુદ્ધો લાદવામાં આવ્યા છે અને હજારો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

ફિફા અને ટ્રમ્પની પ્રતિક્રિયા

ઈરાનના નિર્ણયથી ફિફા માટે પણ પરિસ્થિતિ જટિલ બની ગઈ છે. ફિફાના પ્રમુખ ગિયાની ઈન્ફન્ટિનોએ તાજેતરમાં વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિએ તેમને ખાતરી આપી છે કે ઈરાનની ટીમનું વર્લ્ડકપમાં સ્વાગત કરવામાં આવશે. પરંતુ ઈરાનના તાજેતરના નિવેદનથી હવે અનિશ્ચિતતા વધી ગઈ છે.

કોને તક મળશે?

ઈરાનના ખસી ગયા પછી સૌથી મોટો સવાલ એ છે કે વર્લ્ડકપમાં તેનું સ્થાન કોણ લેશે. ફિફાના નિયમો મુજબ જો કોઈ દેશ ટુર્નામેન્ટમાંથી ખસી જાય છે અથવા તેને બહાર કાઢવામાં આવે છે, તો ફિફાને તેના વિવેકબુદ્ધિથી બીજી ટીમનો સમાવેશ કરવાનો અધિકાર છે. આનો અર્થ એ છે કે ફિફા અંતિમ નિર્ણય લેશે કે કયા દેશને ઈરાનનું સ્થાન લેવાની તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડકપ 2026 પહેલાથી જ ઘણા કારણોસર ઐતિહાસિક માનવામાં આવે છે.

આ પહેલી વાર હશે જ્યારે આ ટુર્નામેન્ટ ત્રણ દેશોમાં યોજાશે: યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો, અને રેકોર્ડ સંખ્યામાં 48 ટીમો ભાગ લેશે. આ પરિસ્થિતિમાં ઈરાનના ખસી જવાને ટુર્નામેન્ટ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *