સુરત શહેરમાં ધાર્મિક ટૂરના નામે શ્રદ્ધાળુઓને લૂંટનાર એક ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. ચોકબજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે યુવરાજ જરીવાલા નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ ધાર્મિક યાત્રા કરાવવાના બહાને અનેક લોકોના નાણાં ખંખેર્યા હતા.
સુરતમાં ધાર્મિક ટૂરના નામે ઠગાઈ
મળતી માહિતી મુજબ, આરોપી યુવરાજ જરીવાલાએ અલગ-અલગ ધાર્મિક સ્થળોએ ટૂર કરાવવાની લાલચ આપી હતી. તેણે ખૂબ જ આયોજનબદ્ધ રીતે 44 જેટલા લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી ટૂરના નામે કુલ રૂપિયા 5.28 લાખ પડાવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ ટૂર તો દૂર રહી, આરોપીએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરતા શ્રદ્ધાળુઓ છેતરાયા હોવાનું અનુભવતા ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પકડાયેલો આરોપી યુવરાજ જરીવાલા અગાઉ પણ આવી અનેક છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ આરોપી લોકોને ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરીને છેતરવામાં માહેર હોવાનું જણાય છે.
