Surat : ઓલપાડના મંદરોઈ ગામમાં ચોંકાવનારી ઘટના, ઉભા પાકમાં કોઇએ ઝેરી દવા છાંટી દેતાં ખેડૂત બરબાદ થઇ ગયો

📅 Published: March 14, 2026 | 📂 Category: gujarat-news

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ખેડૂતના ઉભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જેથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અજાણ્યા ટીખળખોરે ખેડૂતના પરવળના પાકમાં ઝેરી દવા છાંટીને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.

પાકના માંડવામાં ઝેરી દવા છાંટી દીધી

મળતી માહિતી મુજબ મંદરોઈ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં પરવળ શાકભાજીનો પાક ઉભો કર્યો હતો. પાક ઉત્પાદનની શરૂઆતના તબક્કે હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ પાકના માંડવામાં ઝેરી દવા છાંટી દીધી હતી. જેના કારણે આખા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.

ખેડૂતને 7 લાખ રૂપિયાથી વધુનું નુકસાન

ખેડૂતના જણાવ્યા મુજબ પાક સારી રીતે તૈયાર થઈ રહ્યો હતો અને થોડા સમયમાં ઉત્પાદન શરૂ થવાનું હતું. પરંતુ આ ઘટનાને કારણે સમગ્ર પાક બરબાદ થવાની સ્થિતિ સર્જાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતને 7 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતે પોલીસમાં અરજી આપી

ઘટનાની જાણ થતાં ખેડૂતે તરત જ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને અજાણ્યા ઈસમ સામે અરજી આપી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ખેડૂતોમાં રોષ

સ્થાનિક ખેડૂતોએ આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને દોષિત વ્યક્તિને ઝડપથી શોધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઘટના પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો—    Rajkot એઈમ્સમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *