અમદાવાદ શહેરમાં મોટા અવાજે ડીજે વગાડતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ કમિશ્નરના જાહેરનામાનું ઉલ્લંઘન કરીને ડીજે વગાડવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસ દ્વારા ડીજે સિસ્ટમ સહિત અંદાજે 3.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જાહેરનામાનું પાલન કરવા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામુ
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં માઈક સિસ્ટમનો અવાજ માત્ર સંકુલ સુધી સિમિત રાખવો પડશે. જો માઈક સિસ્ટમનો ઉપયોગ રહેવાસી અને રાહદારીને અડચણરૂપ અથવા તો ભય ઉભો થાય તેવી સ્થિતિમાં હશે તો તેના ઉપયોગ કરવા પર પોલીસ મનાઈ ફરમાવી શકશે. શહેરમાં રાતના 10થી સવારે 6.00 વાગ્યા સુધી માઈક સિસ્ટમ વગાડવા માટે પોલીસની મંજૂરી આપવામાં આવશે નહીં.
રાત્રે 10 વાગ્યા સુધી માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે
શહેરમાં સવારે 6.00 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે શહેરમા હોસ્પિટલ, સ્કૂલો અને કોર્ટની 100મીની આસપાસ કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રહણાંક, પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યામાં માઈક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. પોલીસ દ્વારા આપવામાં આવેલી મંજૂરીમાં નક્કી કરવામાં આવેલા અવાજના ડેસીબલ મુજબ માઈક સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. જો આ જાહેરનામાનો ભંગ કરાશે તો પોલીસ દંડનીય કાર્યવાહી કરશે.
