ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને વિવાદ વધુ વકર્યો છે. કિંજલ રબારીને પરત આપ્યા બાદ ચૌધરી સમાજે પોતાના સમાજની દીકરીને રબારી સમાજ પાસે પરત માંગી છે અને આગામી 18 તારીખે સમાજનું મોટું સંમેલન બોલાવ્યું છે. બીજી તરફ પાટીદાર સમાજની દીકરીને પણ પરત લેવાની માગ સાથે એસપીજી અને પાસના આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીનું નિવેદન સામે આવ્યું છે.
પલક પટેલના માતા પિતાએ ન્યાયની ગુહાર લગાવી
રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ કહ્યું હતું કે, કોઈપણ સમાજની દીકરી ભાગીને પ્રેમ લગ્ન ના કરે. ભારતીય સંસ્કૃતિ મુજબ દીકરીઓ વર્તન કરે. દીકરીઓ બાબતે સમાજે બહાર આવવુ પડે તેવું ના કરો.રબારી સમાજનો દીકરો પાટીદારની દીકરીને લઈ ગયો હશે તો અમે ચલાવી લેવાના નથી પરત આપીશું. કિંજલ રબારીની ઘરવાપસી બાદ હવે ખેડામાં પલક પટેલના માતા પિતાએ ન્યાયની ગુહાર લગાવી છે.
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્નનો મુદ્દો
ખેડામાં પલક પટેલના રબારી સમાજમાં થયેલા લગ્ન મુદ્દે પાટીદાર આગેવાનો બહાર આવ્યા છે. પાટીદાર આગેવાનો આજે લસુન્દ્રા જશે. પલક પટેલના માતા પિતા સાથે મુલાકાત કરશે. આ દીકરીને પરત લાવવા માટે એસપીજી અને પાસના આગેવાનો કામગીરી કરશે. આજે ગૌરાંગ પટેલ અને દિનેશ બાંભણિયા લસુન્દ્રા જશે. આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો ગુજરાતમાં વધુ વિવાદ સર્જી રહ્યો છે.
