શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેટેલાઇટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક વેપારી પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. રૂપિયાની લેતીદેતીમાં ઠપકો આપતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ વેપારી પર ધારીયા અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
સેટેલાઇટમાં વેપારી પર હિંસક હુમલાની ઘટના
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં વેપારી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતીદેતી ચાલી રહી હતી. વેપારીએ પોતાના બાકી લેણાં રૂપિયા બાબતે આરોપીઓને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ હતી અને જોતજોતામાં મામલો બીચક્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ધારીયા અને લાકડી વડે વેપારી પર તૂટી પડ્યા હતા.
પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો
ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે વેપારીની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
