શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરના જોખમી રિફિલિંગના કાળાબજાર વિરુદ્ધ સુરત પોલીસની ઝોન-6 ટીમે લાલ આંખ કરી છે. સચિન, સચિન GIDC અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં પોલીસે એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા 11 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
સુરત પોલીસની ઝોન-6 ટીમને બાતમી મળી હતી કે સચિન અને ભેસ્તાન વિસ્તારમાં કેટલાક લોકો સુરક્ષાના નિયમોને નેવે મૂકીને ઘરવપરાશના ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી નાના બાટલામાં ભરવાનું જોખમી કામ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ત્રણેય વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે સ્થળ પરથી નાના-મોટા કુલ 21 ગેસના બાટલા, 13 ગેસ રિફિલિંગ મશીન અને 13 ઇલેક્ટ્રોનિક વજન કાંટા જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂપિયા 86,060ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને તમામ 11 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
