અમદાવાદ જિલ્લાના દેત્રોજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા કુદરતનો અજીબ મિજાજ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીના દિવસોમાં અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દેત્રોજ પંથકમાં બપોર બાદ અચાનક પવનની ગતિમાં વધારો થયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળાની ગરમીમાં રાહત મળવાને બદલે આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરમાં ઉભેલા ઉનાળુ પાક તેમજ તૈયાર થયેલા પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતિતિ
ખાસ કરીને જે ખેડૂતોનો પાક કાપણીના આરે હતો અથવા ખુલ્લા ખેતરોમાં પડ્યો હતો, તેઓને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. દેત્રોજ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ કુદરતી આફતની અસર જોવા મળી હતી. ખેડૂતો જણાવી રહ્યા છે કે જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે, તો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જશે. વહીવટી તંત્ર પણ આ બદલાતા હવામાન પર નજર રાખી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
