અમદાવાદના સોલા વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક વિધર્મી યુવકે 17 વર્ષની સગીરાને વાત કરવાનું બહાનું બનાવી હોટલમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. આરોપીએ એટલું જ નહીં, પરંતુ સગીરાના અંગત પળોનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યું. હાલ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવી લીધો
મળતી માહિતી મુજબ આરોપી સગીરાના પરિવારનો ઓળખીતો હતો. પિતાને શંકા જતા પરિવાર મકાન બદલી દીધું હતું, છતાં આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા ફરી સગીરાનો સંપર્ક સાધ્યો. 3 સપ્ટેમ્બર 2025ના રોજ સોલામાં કોલેજમાં એડમિશન માટે આવેલી સગીરાને મળવા બોલાવી નવરંગપુરાની હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવી લીધો હતો.
સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી
આ બાદ આરોપીએ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી સગીરાને વારંવાર બ્લેકમેઇલ કરી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતો રહ્યો. થોડા દિવસો પહેલાં આરોપીએ સગીરાને તેના માતાપિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉસ્માનપુરા ગાર્ડન ખાતે મળવા બોલાવી હતી, જ્યાં ઝઘડો થતાં જાહેરમાં સગીરાને માર માર્યો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ સગીરાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપી ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. સારવાર બાદ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેનો મોબાઇલ કબ્જે કરીને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: મયૂર ડાયકેમ પર ઇન્કમટેક્સ દરોડાની તપાસ C.G રોડના જ્વેલર્સ સુધી પહોંચી
