અમદાવાદ શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સરદારનગર વિસ્તારમાંથી SOGની ટીમે અંદાજે ₹8 કરોડની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાવાળો ‘હાઈબ્રિડ ગાંજો’ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક મહિલા સહિત બે મુખ્ય પેડલરો, અમન જોશી અને મિલન વઘાસિયાની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં વિદેશી નશીલા પદાર્થો પકડાતા શહેરમાં નશાના કારોબારીઓ વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.
સરદારનગર પાસે 2 આરોપીની ધરપકડ
પોલીસ તપાસમાં આ ડ્રગ્સ કાર્ટેલની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપીઓ ખાસ કરીને બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવવા માટે મફત ‘થાઈલેન્ડ ટ્રીપ’ અને લાખો રૂપિયાના કમિશનની લાલચ આપતા હતા. યુવાનોને લક્ઝુરિયસ વિદેશ પ્રવાસની લાલચ આપી તેમની પાસે થાઈલેન્ડથી ભારત ગાંજાની હેરાફેરી કરાવવામાં આવતી હતી. આ ટોળકી દ્વારા દરેક ટ્રીપ માટે તગડું વળતર ઓફર કરવામાં આવતું હતું, જેથી આર્થિક ભીંસમાં રહેલા યુવાનો આ જોખમી રસ્તે વળી જતા હતા.
યુવાઓ પાસે ગાંજાની હેરાફેરી કરાવતા હતા
સૌથી ગંભીર બાબત એ છે કે, આરોપીઓ દ્વારા યુવાનોને એવો વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે એરપોર્ટ પર તેમનું ‘સેટિંગ’ છે, જેથી તેમને કોઈ પકડશે નહીં. જોકે, SOG એ આ દાવાની સત્યતા અને આંતરરાષ્ટ્રીય લિંક્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ હાઈબ્રિડ ગાંજો થાઈલેન્ડથી વાયા એરપોર્ટ કેવી રીતે ભારતમાં ઘૂસાડવામાં આવ્યો અને તેમાં એરપોર્ટના કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ હવે કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
