અમદાવાદ સ્થિત આઈ.ટી.આઈ. સરખેજ ખાતે તાજેતરમાં ટેકનોલોજી અને કૌશલ્ય વર્ધન ક્ષેત્રે એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થામાં જાણીતી કંપની ડાયકિન ઇન્ડિયા દ્વારા તેના CSR પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક ‘રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ’ લેબ તૈયાર કરવામાં આવી છે. આ નવીન સુવિધાનું ભવ્ય ઉદ્ઘાટન 18 માર્ચ, 2026ના રોજ આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
તાલીમાર્થીઓને મળશે પ્રેક્ટિકલ જ્ઞાન
આ લેબનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે વિભાગના નિયામક નીતિન સાગવાન, ડાયકિન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કંવલજીત જાવા, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ધ્રુતિ જોશી તેમજ કંપનીના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અદ્યતન લેબ દ્વારા તાલીમાર્થીઓને એર કન્ડિશનિંગ ક્ષેત્રે વપરાતી આધુનિક ટેકનોલોજીનું સીધું પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહેશે, જે તેમને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં મદદરૂપ થશે.
યુવાનોને રોજગારીલક્ષી તાલીમ મેળવવામાં મળશે વેગ
કાર્યક્રમના અંતે આઈ.ટી.આઈ. સરખેજના પ્રિન્સિપાલ (વર્ગ-1) સી.બી. ઝાલા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અતિથિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પહેલથી સ્થાનિક યુવાનોને રોજગારીલક્ષી તાલીમ મેળવવામાં મોટો વેગ મળશે અને રાજ્યમાં કૌશલ્ય વિકાસના લક્ષ્યાંકોને વધુ મજબૂતી મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
