ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદના મોટેરા વિસ્તારમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટેરાના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે મોરચો માંડ્યો છે. વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ‘મતદાન બહિષ્કાર’ના બેનરો લગાવી રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વિરોધ
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી મોટેરા વિસ્તારમાં રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા પણ વિકરાળ બની છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રહીશોએ એકસૂરે ‘સુવિધા નહીં તો મત નહીં’નો નારો બુલંદ કર્યો છે.
નેતાઓ માટે નો-એન્ટ્રી
મોટેરાની અનેક સોસાયટીઓના મુખ્ય ગેટ પર મોટા બેનરો લગાડવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે “અમારા વિસ્તારમાં રોડ અને પાણીની સુવિધા ન મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતાઓએ પ્રચાર માટે આવવું નહીં.” સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વચનો આપીને જતા રહેતા નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. આ વખતે પરિણામલક્ષી કામગીરી નહીં થાય ત્યાં સુધી મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર રહીશોએ કર્યો છે.
