ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ એક્શનમાં છે. ત્યારે ખુદ પોલીસનો કર્મચારી જ પીધેલી હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોએ પોલીસ કર્મીને દારૂના નશામાં ઝડપ્યો હતો અને તેની ગાડીમાંથી દારૂની બોટલો અને પત્તા મળી આવ્યા હતાં. બીજી તરફ પોલીસે સ્થાનિકોની માત્ર અરજી લઈને પોલીસ કર્મીને રવાના કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કણભાના કુહા ગામમાં પોલીસકર્મી નશામાં પકડાયો
અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ દારુ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. સ્થાનિકોએ પોલીસ કર્મીને નશાની હાલતમાં ઝડપી પાડ્યો છે. કણભાના કુહા ગામમાં પોલીસ કર્મી નશાની હાલતમાં પકડાયો છે. આ પોલીસ કર્મીએ નશાની હાલતમાં રેસ્ટોરન્ટમાં ધમાલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ સમગ્ર બાબતે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે સ્થાનિકોની માત્ર અરજી લીધી હતી અને પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી કરી નહોતી. પોલીસે દારૂડિયા પોલીસ કર્મીને રવાના કરી દીધો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
સ્થાનિકની અરજી લઈને કાર્યવાહી ન કરવાનો આક્ષેપ
રાજ્યમાં જો એક 10 રૂપિયાની પણ દેશી દારૂની પોટલી મારીને ફરતા સામાન્ય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરતી હોય તો અસામાજિક તત્વોને હનુમાનજીના દર્શન કરાવતી પોલીસનો જ કર્મચારી નશાની હાલતમાં ઝડપાયો છે. ત્યારે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી. પોલીસ સામે અનેક સવાલો ઉભા થયાં છે. લોકોની ફરિયાદ છતાં પોલીસે ફરિયાદની જગ્યાએ માત્ર અરજી લઈને લોકો અને દારૂડિયા પોલીસ કર્મીને રવાના કરી દીધો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
