Surat: સુમુલ ડેરીનો ઐતિહાસિક કીર્તિમાન, આંતરરાષ્ટ્રીય ‘વોટર ક્રેડિટ’ મેળવનાર દેશની પ્રથમ સહકારી ડેરી બની

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

દૂધ ઉત્પાદન અને શુદ્ધતા માટે જાણીતી સુરતની સુમુલ ડેરીએ હવે પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રમાં પણ નવો ઇતિહાસ રચ્યો છે. વિશ્વ જળ દિવસના અવસરે સુમુલ ડેરી આંતરરાષ્ટ્રીય ‘વોટર ક્રેડિટ’ પ્રાપ્ત કરનાર ભારતનો સૌપ્રથમ સહકારી સંઘ બની ગયો છે. આ સિદ્ધિ સાથે સુમુલ ડેરી સમગ્ર દેશ માટે જળ સંચયનું રોલ મોડેલ સાબિત થઈ છે.

2.5 કરોડ લીટર પાણીનું ભૂગર્ભ રિચાર્જ

સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાની અંદાજે 100 જેટલી દૂધ મંડળીઓમાં ‘રેઈન વોટર હાર્વેસ્ટિંગ’ સિસ્ટમ અમલી બનાવી છે. આ આધુનિક સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 2.5 કરોડ લીટર વરસાદી પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે અને સુમુલને 25,000 વોટર ક્રેડિટ એનાયત કરવામાં આવી છે.

પશુપાલકો અને ખેડૂતોને થશે મોટો ફાયદો

આ સિદ્ધિના કારણે જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, જેનો સીધો લાભ પશુપાલકો અને ખેડૂતોને ખેતી તેમજ પશુપાલનમાં થશે. સૌથી મહત્વની વાત એ છે કે, હવે આ મંડળીઓ ‘વોટર ક્રેડિટ ટ્રેડિંગ’ દ્વારા વધારાની આવક પણ ઊભી કરી શકશે. જેમ કાર્બન ક્રેડિટ વેચવામાં આવે છે, તેમ હવે વોટર ક્રેડિટ દ્વારા પણ આર્થિક લાભ મેળવી શકાશે.

દેશનું રોલ મોડેલ

સુમુલ ડેરીના આ અભિગમથી માત્ર જળ સંરક્ષણ જ નથી થયું, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની નવી દિશા પણ મળી છે. ‘શુદ્ધતાની પરંપરા’ના મંત્ર સાથે આગળ વધતી સુમુલ ડેરીએ હવે પર્યાવરણ પ્રેમી સંસ્થા તરીકે પણ વિશ્વ સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આ પણ વાંચો: Rajkot: પાવરના નશામાં ચૂર વધુ એક નબીરો, BRTS રૂટ પર બેફામ કાર દોડાવી વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *