Surat: મદદના બહાને ATM કાર્ડ બદલી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, 54 કાર્ડ કબજે

📅 Published: April 14, 2026 | 📂 Category: gujarat-news

By Dharmesh Prajapati

સચિન GIDC પોલીસે એટીએમ (ATM) સેન્ટર પર લોકોની મદદ કરવાના બહાને તેમનું કાર્ડ બદલીને છેતરપિંડી આચરતી એક રીઢી ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

સુરત શહેરની સચિન GIDC પોલીસે એટીએમ (ATM) સેન્ટર પર લોકોની મદદ કરવાના બહાને તેમનું કાર્ડ બદલીને છેતરપિંડી આચરતી એક રીઢી ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસને આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના 54 જેટલા ATM કાર્ડ મળી આવ્યા છે.

ગુજરાત અને UPમાં તરખાટ મચાવતી ઠગ ગેંગ

આ ગેંગના સભ્યો એટીએમ સેન્ટરની આસપાસ વોચ રાખતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ (ખાસ કરીને મજૂર વર્ગ કે વયોવૃદ્ધ) ને પૈસા ઉપાડવામાં તકલીફ પડતી, ત્યારે આ ગઠિયાઓ મદદ કરવાના બહાને તેમની પાસે જતા હતા. વાતોમાં ભોળવીને તેઓ ફરિયાદીનો પિન નંબર જાણી લેતા અને નજર ચૂકવીને અસલી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી તેની જગ્યાએ નકલી કે ડમી કાર્ડ પકડાવી દેતા હતા. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.

તપાસમાં થયેલા ખુલાસા

સચિન GIDC પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગ માત્ર સુરત કે ગુજરાત પૂરતી સીમિત નથી. પકડાયેલા આરોપીઓએ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ (UP) માં પણ અનેક લોકો સાથે આ પ્રકારે ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. તેમની પાસે મળી આવેલા 54 કાર્ડ સૂચવે છે કે તેઓએ કેટલા મોટા પાયે આ નેટવર્ક ફેલાવ્યું હશે.


📱 Share on WhatsApp