
Platform: newsforyou.live, Author: Dharmesh Prajapati
વલસાડ:
દક્ષિણ ગુજરાતના હાફૂસના ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં હાલમાં કેરી ઉતારવાની એટલે કે ‘બેડવાની’ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે ખેડૂતો આખા વર્ષની મહેનતનો પાક અંકે કરી રહ્યા છે, બરાબર એ જ સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરે ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. ઉમરગામ સહિતના પંથકોમાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદના છાંટાએ સામાન્ય જનતાને ગરમીથી રાહત આપી હોઈ શકે, પરંતુ વલસાડના બાગાયતી પાકના ધરતીપુત્રોને ફરી એકવાર મોટી ચિંતામાં ધકેલી દીધા છે.
બમ્પર પાકની આશા પર પાણી ફરવાની ભીતિ
ચાલુ વર્ષની શરૂઆતમાં અનુકૂળ વાતાવરણને કારણે બાગાયત વિભાગ અને સ્થાનિક ખેડૂતોને આશા હતી કે આ વર્ષે વલસાડમાં 70% જેટલું રેકોર્ડ બ્રેક ઉત્પાદન મળશે. ગરમી વધતાં જ કેરી પાકવા પર આવી અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની તૈયારીમાં જ હતી. પરંતુ, વાતાવરણમાં એકાએક આવેલા પલટા અને ભારે બફારા બાદ કમોસમી વરસાદની જે એન્ટ્રી થઈ છે, તેણે પાકની ગુણવત્તા બગાડવાનું શરૂ કરી દીધું છે.
શું થાય છે નુકસાન?
કૃષિ નિષ્ણાતોના મતે, આ તબક્કે જો વરસાદી છાંટા પડે અથવા હવામાં ભેજનું પ્રમાણ વધી જાય, તો આંબા પર રહેલી કેરી પર ‘કાળિયા’ નામનો રોગ (એન્થ્રેકનોઝ) આવવાની ભીતિ રહે છે. આ સિવાય ભેજને કારણે કેરીમાં ઇયળો પડવાની અને ફળ કાળા પડીને ખરી જવાની સમસ્યા પણ સર્જાય છે.
સતત ત્રીજા વર્ષે પ્રકૃતિનો પ્રકોપ
વલસાડ જિલ્લાના આંબાવાડી ધરાવતા ખેડૂતો માટે આ કોઈ નવો આંચકો નથી. છેલ્લા 3 વર્ષથી પ્રકૃતિ જાણે ધરતીપુત્રોની કસોટી કરી રહી છે:
- વર્ષ 2024 અને 2025: માર્ચ અને મે મહિના દરમિયાન કમોસમી વાવાઝોડા અને કડીકા ફાટતા વરસાદે તૈયાર પાક જમીનદોસ્ત કર્યો હતો.
- વર્ષ 2026 (વર્તમાન સ્થિતિ): મે મહિનાના અંતિમ સપ્તાહમાં જ્યારે 40°C આસપાસના તાપમાન વચ્ચે પાક તૈયાર હતો, ત્યારે જ વાતાવરણ પર કમોસમી ગ્રહણ લાગી ગયું છે.
લગાતાર ત્રણ વર્ષથી પ્રતિકૂળ હવામાનનો માર સહન કરી રહેલા ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. દવાઓ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
માર્કેટમાં ભાવો ઘટવાની ચિંતા
હવામાન વિભાગની વાવાઝોડા અને હળવા વરસાદની આગાહીને પગલે હવે ખેડૂતો ઉતાવળે, કાચી-પાકી કેરી ઉતારીને માર્કેટ ભેગી કરવા મજબૂર બન્યા છે. માર્કેટમાં એકસાથે માલનો ભરાવો થતાં યોગ્ય ભાવો નહીં મળે અને જો કેરી પર ડાઘ પડી જશે તો નિકાસ (Export) લાયક ક્વોલિટી પણ નહીં રહે. વલસાડની જગવિખ્યાત હાફૂસ પર તોળાઈ રહેલા આ સંકટ વચ્ચે, હવે ધરતીપુત્ર માત્ર કુદરત સામે મીટ માંડીને બેઠો છે કે આ વર્ષે તેની આખી સીઝન સંપૂર્ણ રોળાઈ ન જાય.
