By Dharmesh Prajapati

ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે સ્મગલિંગનો અડ્ડો બને તે પહેલાં જ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દેશના ઇતિહાસના સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કચ્છના મુંદ્રા પોર્ટ નજીક આઉટર એન્કરેજ (દરિયામાં લંગારેલા) એક યુરોપિયન કાર્ગો જહાજ ‘MV Europe’ પર મધ્યરાત્રિએ ત્રાટકીને સુરક્ષા એજન્સીઓએ આશરે ૧૧૫ કિલો હાઈ-ક્વોલિટી કોકેઈન (Cocaine) નો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે ૧,૧૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ગુજરાત એટીએસના ઇતિહાસમાં કોકેઈન પકડવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો કેસ છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
બ્રાઝિલથી વાયા કરાચી થઈને ભારત પહોંચ્યું હતું મોટું કન્સાઈનમેન્ટ
ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) કે.એલ.એન. રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સનું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હતું. આ કોકેઈન નવેમ્બર ૨૦૨૫ માં બ્રાઝિલથી જહાજના મોટર રૂમમાં છુપાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ જહાજ મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ (USA) અને પાકિસ્તાનના કરાચી પોર્ટ થઈને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ્યું હતું.
મધ્યરાત્રિએ દરિયાની વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા
એટીએસના ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને મળેલી સચોટ બાતમીના આધારે ૨૫ અને ૨૬ મેની રાત્રે કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સાથે એટીએસની ટીમ મુંદ્રા દરિયાકાંઠેથી ૫ નોટિકલ માઈલ દૂર પહોંચી હતી. અંધારામાં જ્યારે સુરક્ષા એજન્સીઓની બોટ કાર્ગો શિપ ‘MV Europe’ તરફ આગળ વધી, ત્યારે જહાજ પર હાજર ડ્રગ સ્મગલરોએ પકડાઈ જવાના ડરથી ડ્રગ્સ ભરેલા ભારે બેગ દરિયામાં ફેંકી દીધા હતા.
ખરાબ હવામાન અને દરિયાના જોરદાર મોજાં વચ્ચે પણ ટીમે ઓપરેશન ચાલુ રાખ્યું અને પાણીમાં તરતા ૫ મોટા બેગ સફળતાપૂર્વક બહાર કાઢી લીધા. આ બેગમાંથી એક-એક કિલોના એવા ૧૧૫ પેકેટ મળી આવ્યા હતા, જેનું ડ્રગ ડિટેક્શન કીટ દ્વારા પરીક્ષણ કરતા તે શુદ્ધ કોકેઈન હોવાનું સાબિત થયું હતું.
ટેકનોલોજીનો હાઈટેક ઉપયોગ: Apple AirTags અને સેટેલાઇટ ડિવાઇસ મળ્યા
આ કન્સાઈનમેન્ટની હેરાફેરી એટલી હાઈટેક રીતે કરાઈ રહી હતી કે ડ્રગ માફિયાઓ રિયલ-ટાઇમ લોકેશન ટ્રેક કરી શકે તે માટે દરેક બેગની અંદર Apple AirTags છુપાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જહાજના સ્ટીયરીંગ ગીયર રૂમમાંથી હાઈ-એન્ડ ગાર્મિન (Garmin) સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઇસ અને જીપીએસ પણ મળી આવ્યા છે, જેનાથી તેઓ કોઈપણ મોબાઈલ નેટવર્ક વગર સીધા આંતરરાષ્ટ્રીય હેન્ડલર્સ સાથે જોડાયેલા હતા.
ધરપકડ અને દિલધડક દ્રશ્યો
- દરિયામાં ભૂસકો: સર્ચ ઓપરેશન દરમિયાન જહાજ પર હાજર તાન્ઝાનિયાના ક્રૂ મેમ્બર નિંગીતે નાસોરો જુમાને નામના શખ્સે બચવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી, જે હાલ ગુમ છે અને તેની શોધખોળ ચાલુ છે.
- જહાજ પરથી ધરપકડ: જુમા નાસિર ઓમર નામના અન્ય એક તાન્ઝાનિયન નાગરિકને જહાજ પરથી જ દબોચી લેવાયો હતો.
- દિલ્હી કનેક્શન: ઝડપાયેલા શખ્સની પૂછપરછના આધારે આ ડ્રગ્સ દિલ્હી સપ્લાય થવાનું હતું. ગુજરાત એટીએસની ટીમે તાત્કાલિક દિલ્હી પોલીસ સાથે સંકલન સાધીને દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી કન્સાઈનમેન્ટ મેળવનારા કેલ્વિન ચુકવુમા (નાઇજીરીયન નાગરિક) અને બાયરુન્ગા જેમ્સ (યુગાન્ડાના નાગરિક) ને ઝડપી લીધા છે. આ જથ્થો દિલ્હી પહોંચ્યા બાદ નાની-નાની કુરિયર ચેનલો દ્વારા દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય થવાનો હતો.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ ઓપરેશન બદલ ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમને બિરદાવી ટ્વિટર (X) પર જણાવ્યું હતું કે, ગુજરાત ક્યારેય ડ્રગ્સ માફિયાઓ માટે ગેટવે બનશે નહીં. છેલ્લા ૫ વર્ષમાં કોસ્ટ ગાર્ડ અને એટીએસનું આ ૧૫મું સફળ સંયુક્ત ઓપરેશન છે, જે દેશને નશામુક્ત રાખવાના સંકલ્પને મજબૂત કરે છે.
કનેક્ટ વિથ ધર્મેશ પ્રજાપતિ +91 7359585035 Call / WhatsApp
Website: ambeinfotech.com
Read more on newsforyou.live
