દેશમાં 18 નવેમ્બરે નેચરોપેથી દિવસની ઉજવણી કરાય છે. જોકે હાલમાં સરકારના નવા કાયદાને કારણે નેચરોપેથી તબીબી પ્રણાલી જોખમમાં મૂકાઈ છે. ફેબ્રુઆરી-2025થી રાજ્ય સ્તરે યોગ અને નેચરોપેથીને ચિકિત્સા સ્થાપના અધિનિયમમાંથી બહાર કરાયું છે. જેથી નેચરોપેથીના તબીબોના ક્લિનિક પર જીએસટીના દરોડા પડી રહ્યા છે. આ મુદ્દે ઈન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ, મેડિકલ એસોસિયેશન દ્વારા સરકારને અનેક રજૂઆત કરાઈ છે. એસો.ના અગ્રણી ડો. યશકુમાર દોડેડાએ કહ્યું કે, આ કાયદાનાં ગંભીર પરિણામો સામે આવી રહ્યાં છે. હવે ઝોલા છાપ અને અસલ તબીબો વચ્ચે કોઈ ફેર જ નથી બચ્યો. આ અંગે એસોસિયેશને પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, ગુજરાત રાજ્ય દ્વારા યોગ અને નેચરોપેથીને ચિકિત્સા સ્થાપના અધિનિયમમાંથી બાકાત રાખવું તે સરકારની ભૂલ છે. આ નિર્ણય પહેલાં સરકારે અમારી સાથે વાત કરી નહોતી. સરકારના આ નિર્ણયથી યોગ-નેચરોપેથની પ્રેક્ટિસ કરતા તબીબોના ભવિષ્ય જોખમમાં મૂકાયા છેે. આ પ્રકારનો કાયદો લાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય છે. સાથે જુલાઈ-2021ના જીઆર પ્રમાણે માત્ર એક સંસ્થામાં તબીબ તરીકે નોંધણી કરાવી શકે છે. બાકી અન્ય કોલેજોના વિદ્યાર્થી નોંધણી કરાવી શકતા નથી. જેથી રાજ્યમાં વિદ્યાર્થીઓની નોંધણી અટકી છે. એસોસિયેશનની માગ છે કે, સરકાર તાત્કાલિક ધોરણે યોગ અને નેચરોપેથીને ચિકિત્સા સ્થાપના અધિનિયમમાં સામેલ કરે. રાજ્યમાં નેચરોપેથીના નોંધાયેલા 150 તબીબો છતાં નિમણૂક નહીં
રાજ્યમાં 150 રજિસ્ટર્ડ તબીબો છે છતાં આયુષ હોસ્પિટલોમાં નેચરોપેથી તબીબોની નિમણૂક કરાતી નથી. બીજી બાજુ તમિલનાડુ, રાજસ્થાન અને કર્ણાટકમાં તબીબોની ભરતી કરવામાં આવે છે.
સિટી એન્કર:ચિકિત્સા સ્થાપના અધિનિયમમાંથી યોગ-નેચરોપેથી બહાર કાઢ્યા, હવે નેચરોપેથ અને ઝોલા છાપ તબીબની વચ્ચે કોઈ ફેર જ નથી રહ્યો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
