
નવી દિલ્હી,31 ડિસેમ્બર,2025,બુધવાર
વર્ષના અંતિમ દિવસને થર્ટી ફર્સ્ટ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ૩૧ ડિસેમ્બરના રોજ ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી. બ્રિટનની મહારાણીએ આ કંપનીને ૨૧ વર્ષ સુધી ભારત સાથે વેપાર કરવાની છુટ આપી હતી પરંતુ વેપારના નામે આ કંપનીએ અંગ્રેજોની ૩૦૦ વર્ષની ગુલામીનો પાયો નાખ્યો હતો. એ સમયે બ્રિટનની સરખામણીમાં યુરોપ ખંડના પોર્ટુગલ અને સ્પેનની અર્થ વ્યવસ્થા વધારે મજબૂત હતી.ઇસ ૧૬૦૮માં કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ગુજરાતના સુરત બંદરે હેકટર નામનું ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ લઇને આવ્યો હતો. હોકિંગ્સમાં પૂરતા જ્ઞાાન અને વાકપટ્ટુતાનો અભાવ હોવાથી ઇસ ૧૬૧૫માં બ્રિટનના સાંસદ અને રાજદૂત સર ટોમસ રો ને ભારત મોકલવામાં આવ્યો હતો.
