વેરાવળમાં રસ્તાની દુર્દશા અને નગરપાલિકાના ‘નિંભર’ તંત્ર સામે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 4 ના રહીશોએ આજે નગરપાલિકા કચેરી ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી ખરાબ રસ્તાઓને કારણે હાલાકી ભોગવી રહેલા લોકોએ કચેરીમાં થાળી-વેલણ વગાડી ઊંઘતું તંત્ર જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
બિસ્માર રોડને લઇને સ્થાનિકો પરેશાન
ટેન્ડર મંજૂર હોવા છતાં કામ ઠપ સ્થાનિકોનો મુખ્ય આક્રોશ આંબેડકરથી GIDCને જોડતા મુખ્ય માર્ગ બાબતે છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ રસ્તાનું ટેન્ડર ક્યારનું મંજૂર થઈ ચૂક્યું છે, છતાં જમીન પર કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. વારંવારની રજૂઆતો છતાં માત્ર ‘ઠાલા વચનો’ મળતા હોવાથી આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. તંત્રએ નમતું જોખ્યું: લેખિત ખાતરી આપી લોકોનો રોષ અને ઉગ્ર વિરોધ જોઈને અંતે પાલિકા તંત્રએ નમતું જોખ્યું હતું.
ચીફ ઓફિસરે આપી ખાતરી
નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના પ્રતિનિધિ દ્વારા રહીશોને મળવા આવ્યા હતા અને આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે લેખિતમાં ખાતરી આપી હતી. સ્થાનિકોની ચેતવણી રહીશોએ જણાવ્યું હતું કે, જો આ વખતે પણ આપેલા વચન મુજબ કામ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અત્યારે તો લેખિત ખાતરી મળ્યા બાદ સ્થાનિકો શાંત પડ્યા છે, પરંતુ તંત્ર હવે ક્યારે કામ શરૂ કરે છે તેના પર સૌની નજર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
