- અધિકારી અને કોન્ટ્રાકટર સહિત 5 લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું
- વીજ કંપનીની ટીમ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો
- PGVCLના એક કર્મચારીને માથામાં ગંભીર ઇજા થઈ
વીંછીયાનાં નવાગામ દેવપરા ગામમાં રિપેરિંગ કરવા ગયેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ટીમ પર અજાણ્યા વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં વીજ કંપનીના એક કર્મચારીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ અંગે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
એક કર્મચારીને ગંભીર ઇજા થઈ
બનાવની મળતી વિગતો મુજબ PGVCLના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સહિત 5 લોકો નવાગામ દેવપરા ગામમાં વીજપોલનું રૂપેરીંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેક્ટરને જાણી જોઇને કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યાં ટક્કર મારીને હુમલો કર્યો હતો. આ હુમલામાં વીજ કંપનીના મહેશભાઈ શામજીભાઈ ગાઢાદરા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તેમની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ઘટના અંગે વીંછીયા PGVCLના ઇન્ચાર્જ ઈજનેર ડી. આઈ. મહલાએ જણાવ્યું હતું કે, અજાણ્યા વ્યક્તિએ અચાનક જ કામ કરી રહેલી ટીમ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. આ બનાવમાં એક કર્મચારીને ગંભીર ઇજા થઈ છે અને તેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. PGVCL દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
