Valsad News: કુંભઘાટ અકસ્માત સ્થળે દોડી ગયા ધારાસભ્ય જીતુ ચૌધરી, વળતરની બાંહેધરી આપી

📅 Published: February 20, 2026 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પાસે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા. સાત લોકોના ભોગ લેનાર આ ગમખ્વાર અકસ્માતને પગલે ધારાસભ્યએ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સરકારી વળતર અપાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની મહત્વની બાંહેધરી આપી હતી.

વિધાનસભા સત્ર છોડી મતવિસ્તારમાં પહોંચ્યા ધારાસભ્ય

રાજ્યમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ પોતાના મતવિસ્તારમાં આટલી મોટી દુર્ઘટના બની હોવાની જાણ થતા જ ધારાસભ્ય જીતુ ચૌધરી સામાજિક કામ અર્થે કપરાડા આવ્યા હતા અને સીધા જ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટનાની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી અને પીડિત પરિવારોને આર્થિક સહાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું.

ઇકો અને ટ્રક વચ્ચે ટક્કર, સાત લોકોના મોત

ઘટનાની વિગત અનુસાર, વલસાડ જિલ્લાના કપરાડાના કુંભઘાટ પાસે એક ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કુલ 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલમાં કપરાડા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો – Valsadના કુંભઘાટમાં કાળમુખા અકસ્માતે લીધા 7 લોકોના જીવ, સમગ્ર પંથકમાં પ્રસરી અરેરાટી


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *