અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ જણાય છે. નજીવી બાબતે થતી હત્યાની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.
ગુનેગારોમાં પોલીસનો ડર ઓસરી રહ્યો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બહેરામપુરામાં ઘરના ઓટલા પર બેસવાની બાબતે યુવકે સગીર સહિત બે શખ્સોને ઠપકો આપ્યો હતો. તેમજ સગીરને માર માર્યો હતો. તેની અદાવત રાખીને સગીરે મિત્ર સાથે મળીને ચોટીલાથી છરો ખરીદીને યુવકને રસ્તામાં રોકીને છરાના ઘા મારીને હત્યા કરી નાખી છે. આ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોધ્યો છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સગીર સહિત બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
બહેરામપુરામાં ગરીબનગરના છાપરામાં રહેતા શૈલેષભાઇ વણકર છૂટક મજૂરી કરે છે. ગત 21 ફ્રેબ્રુઆરીએ તે ભુલાભાઇ પાસે હતો ત્યારે મિત્રનો ફેન આવ્યો અને જણાવ્યુ કે તારા ભત્રીજા 19 વર્ષીય હિમેશ પરમારને બહેરામપુરામાં આનંદ વિધાલય પાસે અજાણ્યા શખ્સે છરીના ઘા માર્યા છે. તે લોહિલુહાણ હાલતમાં છે. જેથી શૈલેષ તાત્કાલિક ત્યાં પહોચ્યો હતો. બાદમાં હિમેશને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન હિમેશનું મોત નિપજ્યુ હતુ. આ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોધ્યો હતો. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક સગીર સહિત ગૌતમ ઉફ્ર્ ઇન્ડો સોલંકીને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછ કરતા મૃતક હિમેશ અને ગૌતમ અગાઉ દુધવાળી ચાલીમાં સાથે રહેતા હતા. ત્યારે સગીર અને ગૌતમ બંને મિત્રો હોવાથી સગીર ગૌતમના ઘરે અવારનવાર આવતો હતો. આ દરમ્યાન એક વર્ષ અગાઉ હિમેશે આરોપીઓને તેના ઘરના ઓટલા પર બેસવા અથવા તો મોટેથી વાતો ન કરવા વારંવાર ચેતવણી આપી હતી. તેને લઇને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો પણ થયો હતો. જેમાં મૃતકે સગીરને માર માર્યો હતો. જેથી સગીરે હિમેશની હત્યા કરવાનું નક્કી કર્યુ હતુ. તેમજ તે મિત્રો સાથે ચોટીલા દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે તેને એક છરો ખરીધ્યો હતો. જેનાથી તેને હત્યાને અંજામ આપ્યો છે. હત્યા કર્યા બાદ બંને ભાગવાની ફીરાકમાં હતા અને રિવરફ્રન્ટ પર હતા તે સમયે બંનેને ઝડપી પાડયા હતા.
