અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું છે. વહીવટી તંત્ર વાસ્તવિકતા સ્વીકારવાને બદલે આંકડા છૂપાવવાના પેંતરા કરી રહ્યું હોય તેમ જણાય છે. શહેરની આઠ GIDC દ્વારા ફેલાવવામાં આવતા ઝેરી વાયુ વચ્ચે લોકોના ફેફસા ગૂંગળાઈ રહ્યા છે. પ્રદૂષણ માપવા માટે મુકાયેલા સફર એર મોનિટરિંગ સ્ટેશનો પોતે જ ગીચ વનસ્પતિઓ અને ઝાડી ઝાંખરાઓમાં કેદ થઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના સરેઆમ ધજાગરા ઉડાવી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનં રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. જેમાં એક બે મશીન જમીનથી થોડા ઊંચા હોવા જોઈએ તેવું SOP કહે છે જો કે તેનું પાલન નહીં થતુ હોવાનું સામે આવ્યું છે.
કૃત્રિમ રીતે હવાને ફિલ્ટર કરીને માપવામાં આવે છે
શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.રખિયાલના શ્રમિક ક્રાંતિ ગાર્ડન,રાયખડના વિક્ટોરિયા ગાર્ડન,ચાંદખેડાનું કલ્ચરલ સેન્ટર ગાર્ડન અને નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં એર મોનિટરિંગ સ્ટેશનો વૃક્ષોની હારમાળા વચ્ચે ઢંકાયેલા છે.રાયખડ જેવા વિસ્તારોમાં વૃક્ષો પર દર કલાકે પાણીનો છંટકાવ કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ મોનિટરિંગ સ્ટેશનની આસપાસ કોઈ અવરોધ ન હોવો જોઈએ, પરંતુ અહીં તો કૃત્રિમ રીતે હવાને ફિલ્ટર કરીને માપવામાં આવી રહી છે.
