કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચની સાંજે અમદાવાદ આવી પહોંચશે. આ પ્રવાસ ખાસ એટલા માટે છે કારણ કે 9 માર્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની વર્તમાન ટર્મ પૂર્ણ થઈ રહી છે. ટર્મ પૂરી થાય તે પહેલાં, 8 માર્ચે અમિત શાહ શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે અત્યંત મહત્વના એવા બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
પૂર્વ અમદાવાદને મળશે આધુનિક સુવિધાઓ
આ પ્રવાસ દરમિયાન અમિત શાહ નીચે મુજબના પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે, પૂર્વ વિસ્તારના ખેલાડીઓ અને યુવાનો માટે રૂ.61.67 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કોમ્પ્લેક્સમાં રમતગમતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. વર્ષોથી જેની પ્રતીક્ષા હતી તેવી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે.
કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થતા પહેલાની ભેટ
અમદાવાદ મહાનગરપાલિકાની ટર્મ 9 માર્ચે પૂર્ણ થઈ રહી છે, તે પૂર્વે કેન્દ્રીય મંત્રી દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમો યોજીને શાસક પક્ષ વિકાસના કામોનો સીધો લાભ જનતા સુધી પહોંચાડવા માંગે છે. પૂર્વ અમદાવાદમાં ખારીકટ કેનાલ અને વસ્ત્રાલના પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચર્ચામાં હતા, જેનું હવે વિધિવત રીતે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અન્ય સંગઠનાત્મક બેઠકો અથવા સ્થાનિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
