અમદાવાદમાં ઝડપાયેલા કરોડો રૂપિયાની નકલી નોટોના રેકેટમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ આંતરરાજ્ય કૌભાંડના તાર હવે સુરત સાથે મજબૂતીથી જોડાઈ રહ્યા છે, જેના પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસનો ધમધમાટ તેજ કરવા સુરત રવાના થશે.
સુરતમાં આશ્રમ અને નિવાસસ્થાને તપાસ
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી પ્રદીપ જોટાંગિયા ઉર્ફે ગુરુજી અને મુકેશ ઠુમ્મરને સાથે રાખીને સુરતમાં પંચનામું અને તપાસ કરવામાં આવશે. તપાસમાં સામે આવ્યું છે કે, પ્રદીપ જોટાંગિયાના આશ્રમમાં જ આ આખું નકલી નોટોનું કૌભાંડ રચવામાં આવ્યું હતું. બીજી તરફ, મુકેશ ઠુમ્મરના ઘરે સ્ટેશનરીના વ્યવસાયની આડમાં નકલી નોટો છાપવાનું કામ ચાલતું હતું. પોલીસ આ બંને સ્થળોએ તપાસ કરીને અન્ય કયા પુરાવાઓ કે મશીનરી છુપાવવામાં આવી છે તેની વિગતો મેળવશે.
વિવાદિત યોગગુરુનો વધુ એક વીડિયો વાયરલ
નકલી નોટના કેસમાં પકડાયેલા કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટાંગિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નાના બાળકોની સારવાર કરતો જોવા મળે છે. વીડિયોમાં બાળકોને નગ્ન હાલતમાં રાખીને કથિત સારવાર કરવામાં આવી રહી છે, જે જોઈને અનેક સવાલો ઉભા થયા છે. પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી છે કે નહીં અને સારવારના નામે તે બાળકોનો આ પ્રકારે ઉપયોગ કેવી રીતે કરી શકે, તે બાબતે તપાસની માંગ ઉઠી છે.
તમામ આરોપીઓની સામસામે પૂછપરછ
આ કૌભાંડમાં અન્ય આરોપીઓ કેવી રીતે જોડાયા અને આ નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે જાણવા માટે ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરશે. પોલીસ તપાસનો મુખ્ય હેતુ એ છે કે, આ સામ્રાજ્ય પાછળ અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ અને અત્યાર સુધી કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે.
