અમદાવાદ શહેરના શાંત ગણાતા નારણપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. વરદાન ટાવર પાસે પાર્ક કરેલી એક કારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, નારણપુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને દબોચી લીધા છે.
આરોપીઓએ કારની તોડફોડ કરી
નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વરદાન ટાવર પાસે આ ઘટના બની હતી. LICમાં ફરજ બજાવતા ભૂષણ વૈષ્ણવની કાર ત્યાં પાર્ક કરેલી હતી, જેને આરોપીઓએ નિશાન બનાવી તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસને આવતી જોઈ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ પોલીસે તમામ પાંચેયને ઝડપી પાડ્યા હતા.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા પાંચેય આરોપીઓ પૈકી ત્રણ શખ્સો રીઢા ગુનેગાર છે. પોલીસે સંજય વોરા, ગોવિંદ રાજપૂત, રવિ પાટીલ, ગોવિંદ બાવરી અને રોહન રાવતની ધરપકડ કરી છે.મુખ્ય આરોપી સંજય વોરા વિરુદ્ધ અગાઉથી જ ૧૫થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.ગોવિંદ અને રોહન સામે પણ અગાઉ પ્રોહિબિશન સહિતના ગંભીર કેસો નોંધાયેલા છે.
પોલીસની કડક કાર્યવાહી
નારણપુરા પોલીસે તમામ પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ કયા કારણોસર તોડફોડ કરી અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ગુનાહિત માનસ ધરાવતા આ તત્વોને ઝડપી પાડતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો—- Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું
