Ahmedabad: રખડતા ઢોર પકડવા ગયેલી AMCની ટીમ પર હુમલો, 'જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ચાર શખ્સો ફરાર

📅 Published: March 12, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઢોર પકડવાની અદાવત રાખી ચાર શખ્સોએ ઢોરપાર્ટીના કર્મચારી પર પાઈપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો.

અદાવત રાખી કર્મચારીને નિશાન બનાવ્યો

મળતી માહિતી મુજબ, AMCની ઢોરપાર્ટીના કર્મચારી જ્યારે પોતાની ફરજ પર હતા ત્યારે ચાર શખ્સોએ તેમને આંતર્યા હતા. “તું અમારા પશુઓ કેમ પકડાવે છે?” તેમ કહી હુમલાખોરોએ ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડની પાઈપ વડે કર્મચારી પર હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જાનથી મારી નાખવાની આપી ધમકી

હુમલો કરનાર શખ્સોએ કર્મચારીને ધમકાવતા કહ્યું હતું કે, “જો હવે પછી પશુઓ પકડવા આવીશ તો જાનથી મારી નાખીશું.” આ ધમકી આપી હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

આ મામલે ઈજાગ્રસ્ત કર્મચારીએ હિંમત દાખવી ચાર હુમલાખોરો વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: વેલંજાની ગોકુલધામ સોસાયટીમાં સગીરા સાથે બળજબરી, ઉત્રાણ પોલીસે આરોપીની કરી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *