શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુરમાં ચોરીની એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે સોના-ચાંદી કે રોકડની ચોરી થતી હોય છે, પરંતુ અહીં એક ઘરઘાટીએ ફરિયાદીની માતાની લાયસન્સવાળી પિસ્તોલ અને કારતૂસની ચોરી કરીને પોલીસ માટે પડકાર ઊભો કર્યો છે.
વિશ્વાસઘાત કરી હથિયારની ચોરી
મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા ફરિયાદીના ઘરે કામ કરતા ઘરઘાટીએ જ આ ચોરીને અંજામ આપ્યો છે. ફરિયાદીની માતાના નામે ઇશ્યૂ થયેલી લાયસન્સવાળી પિસ્તોલ અને તેની સાથેના જીવતા કારતૂસ ઘરના કબાટમાં રાખવામાં આવ્યા હતા. ઘરઘાટીએ નજર ચૂકવીને આ હથિયાર અને કારતૂસની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ તે સાઈટ પરથી ગાયબ થઈ ગયો હતો.
વસ્ત્રાપુર પોલીસ એક્શનમાં
હથિયાર જેવી સંવેદનશીલ વસ્તુની ચોરી થઈ હોવાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ઘરઘાટી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આ હથિયારનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થઈ શકે છે, તેથી આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
