અમદાવાદના ભાડજમાં આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે 3 માર્ચ, 2026ના રોજ ગૌર પૂર્ણિમાના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જગતમાં હરિનામ સંકીર્તનનો પ્રચાર કરનાર ચૈતન્ય મહાપ્રભુના પાવન અવતરણની યાદમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ તેમની સુવર્ણ જેવી કાયાને કારણે ‘ગૌરાંગ’ તરીકે પણ ઓળખાય છે અને આ વર્ષે તેમની 540મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.
ભક્તિમય વાતાવરણ અને ઉપવાસ
ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય માટે આ દિવસ નવા વર્ષના પ્રારંભ સમાન છે. આ દિવસે ભક્તોએ રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલે ત્યાં સુધી નિર્જળા ઉપવાસ રાખી ભગવાન પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં હરેકૃષ્ણ મહામંત્રના ગુંજારવથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
ઉત્સવના મુખ્ય આકર્ષણો
બપોરના સમયે ભગવાનને 108 પ્રકારની વિવિધ વાનગીઓનો ભોગ ધરાવી આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરાયું હતું. નિતાઈ ગૌરાંગ (ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ) ને ફૂલોથી શણગારેલી પાલકીમાં બેસાડી મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. ઢોલ-નગારા અને શંખનાદ સાથે ભક્તો નૃત્યમાં લીન થયા હતા. પાલકી ઉત્સવ બાદ ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ, ફળોના રસ અને સાત પવિત્ર નદીઓના જળના 108 કળશ દ્વારા ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક દરમિયાન અર્પણ કરેલા ફૂલોને ભક્તો પર પ્રસાદ રૂપે વરસાવી ‘પુષ્પ હોળી’ રમવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વિશ્વ શાંતિ માટે પ્રાર્થના
મહોત્સવના અંતે અતિભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું. ઉપસ્થિત હજારો ભક્તોએ ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ સમક્ષ હરિનામ સંકીર્તન કરી વિશ્વમાં શાંતિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. હરેકૃષ્ણ મંદિરના પ્રેસિડન્ટ જગનમોહન કૃષ્ણ દાસાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
