Ahmedabad News: વધુ બે સાક્ષીઓએ રફતારના રાક્ષસ તથ્ય પટેલને ઓળખ્યો, આજે વધુ સાક્ષીની લેવાશે જુબાની

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

ઇસ્કોન બ્રિજ પર ૧૪૧.૨૭ કિલોમીટરની ઝડપે જેગુઆર કાર હંકારી નવ નિર્દોષ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારી મામલે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે વધુ બે પ્રત્યક્ષદર્શીઓએ અમદાવાદ ગામ્ય કોર્ટમાં જુબાની આપી હતી. અકસ્માતની આ ઘટનાના નજરે જોનાર સાક્ષી તરીકે મિતરાજસિંહ ભરતસિંહ રાજ અને વસંત કાનાજી ઠાકોરે સમગ્ર બનાવની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત, સાક્ષીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રખાયેલા તથ્ય પટેલને ઓળખી બતાવ્યો હતો. આ કેસમાં વધુ સાક્ષીઓની જુબાની માટે આગામી ૨૪ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

તથ્ય પટેલને ગુનાહિત સ્થળ પર ઓળખી બતાવ્યો

અત્યાર સુધી જે ૧૬થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ છે, તે તમામ સાક્ષીઓએ મક્કમ જુબાની આપીને તથ્ય પટેલને ગુનાહિત સ્થળ પર ઓળખી બતાવ્યો છે. આજે કોર્ટમાં હાજર રહેલા સાક્ષીઓ મિતરાજસિંહ રાજ અને વસંત ઠાકોરે જણાવ્યું હતું કે, ૨૦ જુલાઈ ૨૦૨૩ના રોજ રાત્રે ઇસ્કોન બ્રિજ પર અગાઉ એક થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત જોવા માટે લોકોનું ટોળું વળ્યું હતું અને પોલીસ કર્મીઓ પણ ત્યાં ફરજ પર હાજર હતા. તે જ સમયે રાજપથ ક્લબ તરફથી અત્યંત ગતિએ આવતી એક જેગુઆર કારે આ ટોળાને અડફેટે લીધું હતું.

જેગુઆર કારની સ્પીડ એટલી પ્રચંડ હતી

સાક્ષીઓએ વધુમાં ઉમેર્યું કે, જેગુઆર કારની સ્પીડ એટલી પ્રચંડ હતી કે ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ગાડી કાબૂમાં આવી નહોતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે લોકો હવામાં ફંગોળાયા હતા અને નવ લોકોએ સ્થળ પર જ દમ તોડયો હતો, જયારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલની કારમાં તેની સાથે અન્ય પાંચ મિત્રો (બે યુવકો અને ત્રણ યુવતીઓ) પણ સવાર હતા. અકસ્માત બાદ કારમાંથી તથ્ય પટેલ અને અન્ય યુવતીઓ નીચે ઉતરી હતી, જેઓ બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા. વીડિયો કોન્ફરન્સથી તથ્ય પટેલને રજૂ કરાતા સાક્ષીઓએ તેને સ્પષ્ટપણે ઓળખી બતાવ્યો હતો.

બચાવ પક્ષે ઉલટ તપાસ કરવામાં આવી

તથ્ય પટેલ તરફથી બચાવ પક્ષે ઉલટ તપાસ કરવામાં આવી હતી.કોર્ટે આગામી ૨૪ માર્ચના રોજ વધુ સાક્ષીઓને હાજર રાખવા નિર્દેશ આપ્યો છે.તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ સામે ગ્રામ્ય કોર્ટમાં ૨૭ જુલાઈ ૨૦૨૩ના રોજ ૧,૬૮૪ પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જેમાં કુલ ૧૯૧ સાક્ષીઓ દર્શાવાયા હતા. સુપ્રીમના નિર્દેશ બાદ ગ્રામ્ય કોર્ટે ૧૮મી નવેમ્બર ૨૦૨૫ના રોજ ચાર્જફ્રેમની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સુપ્રીમે ટ્રાયલ કોર્ટને આ કેસમાં મહત્વના ૨૫ સાક્ષીની જુબાની ત્રણ માસમાં પૂર્ણ કરવા હુકમ કર્યો છે અને આગામી સુનાવણી ૨૮મી મેના રોજ નિયત કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabadના થલતેજમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે એકની કરી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *