Ahmedabad News: વિરમગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહને બાઈક સવારને અડફેટે લેતા યુવકનું મોત

📅 Published: March 18, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ જિલ્લાના વિરમગામ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વિરમગામથી હાંસલપુર તિરંગા સર્કલ રોડ પર મોડી રાત્રે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી ફરાર થઈ જતા 33 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

IOCL ગેટ પાસે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, વિરમગામના કરકથલ ગામના રહેવાસી વિનોદભાઈ મેરાભાઇ વાઘેલા (ઉંમર વર્ષ 33) પોતાના બાઈક પર વિરમગામ-હાંસલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વિરમગામ હાંસલપુર IOCL ના ગેટ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, વિનોદભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

અજાણ્યો વાહન ચાલક ફરાર

અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવાન કરકથલ ગામનો હોવાનું જાણવા મળતા તેના પરિવારમાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વિરમગામ રૂરલ પોલીસ દ્વારા તપાસ

ઘટનાની જાણ થતા જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર લાગેલા CCTV ફૂટેજ તપાસવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જેથી હત્યારા વાહનનો પત્તો લગાવી શકાય.

આ પણ વાંચો – Ahmedabad News : સોલા સિવિલમાં મહિલાઓની સુરક્ષા જોખમમાં, એક્સ-રે વિભાગમાં ડ્રાઈવર મહિલાનો વીડિયો ઉતારતા ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *