અમદાવાદ શહેરની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં મહિલાનો છૂપી રીતે વીડિયો ઉતારવામાં આવતો હોવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે, વીડિયો ઉતારનાર શખ્સ હોસ્પિટલના ડીન ઓફિસનો જ ડ્રાઈવર હોવાનું ખુલ્યું છે.
વિષ્ણુ મકવાણા નામનો ડ્રાઈવર મહિલાનો વીડિયો બનાવ્યો
મળતી માહિતી મુજબ, સોલા સિવિલના એક્સ-રે વિભાગમાં વિષ્ણુ મકવાણા નામનો ડ્રાઈવર મહિલાનો વીડિયો ઉતારી રહ્યો હતો. આ દરમિયાન મહિલાની નજર તેના પર પડતા તેણે તુરંત વિરોધ કર્યો હતો અને મામલો ગરમાયો હતો. મહિલાએ હોબાળો મચાવતા હોસ્પિટલના સત્તાધીશો પણ દોડી આવ્યા હતા. આ ડ્રાઈવર કોમ્યુનિટી મેડિસિન વિભાગમાં ડીન ઓફિસ હેઠળ ફરજ બજાવે છે.
સત્તાધીશોની કુણી લાગણી
આટલી ગંભીર ઘટના હોવા છતાં, હજુ સુધી મહિલા કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જોકે, હોસ્પિટલ તંત્રએ આ મામલે ઈન્ટરનલ (આંતરિક) તપાસના આદેશ આપ્યા છે. આક્ષેપ છે કે ડ્રાઈવરના મોબાઈલ ફોનમાંથી આ પ્રકારના અનેક મહિલાઓના વાંધાજનક વીડિયો હોવાના આરોપ લગાવામાં આવ્યા છે, જે અત્યંત ચિંતાનો વિષય છે.
સુરક્ષા સામે સવાલ
સરકારી હોસ્પિટલોમાં જ્યાં હજારો મહિલાઓ સારવાર માટે આવે છે, ત્યાં જ કર્મચારીઓ દ્વારા આવી નીચ હરકત કરવામાં આવે તો દર્દીઓ ક્યાં સુરક્ષિત રહેશે? હાલમાં હોસ્પિટલ કમિટી આ ડ્રાઈવર વિરુદ્ધ શું પગલાં લે છે અને તેના મોબાઈલના ડેટાની તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે..
