ગુજરાતમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ તેમની બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાનના એક દિવસના આ પ્રવાસમાં ઉત્તર ગુજરાતને પણ આવરી લેવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને વાવ થરાદમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
પીએમ મોદીની સભા મહત્વની બની રહેશે
વડાપ્રધાન મોદી ગાંધીનગરના કોબા પાસે આવેલા મહાવીર જૈન મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં પણ આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વાવ થરાદ જિલ્લામાં નાણી ગામ પાસે આવેલ એયર સ્ટ્રીપ તૈયાર થયા પછી પહેલીવાર વડાપ્રધાન કદાચ ત્યાં પહોંચશે. જ્યાં વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. રાજકીય રીતે પણ આ જિલ્લામાં પીએમ મોદીની સભા મહત્વની બની રહેશે.
પીએમ મોદીના પ્રવાસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં સીધો ફાયદો કરવામાં આવી રહ્યો છે. તો અમદાવાદમાં પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન અને જાહેર સભાના કાર્યક્રમનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. વડાપ્રધાનની એક દિવસની ગુજરાત મુલાકાત બાદ એપ્રિલ મહિનામાં રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
