ગાયીકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદને પગલે હવે ચૌધરી સમાજ આગળ આવ્યો છે. અને સમાજની દીકરીને પરત લાવવા મુદ્દે આંદોલન કરી રહ્યો છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઉણ ગામે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.બંને સમાજ આમને-સામને આવી જતા પથ્થરમારો તેમજ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. જેવા પગલે પોલીસે ટીયરગેસમાં સેલ છોડી લાઠીચાર્જ કરતાં દોડધામ મચી ગઈ હતી.
ચૌધરી સમાજના યુવક સાથે રબારીની દીકરીએ લગ્ન કર્યા બાદ વિવાદ વધ્યો હતો
થોડા સમય પહેલા ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની એક યુવતીએ ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે મા બાપના વિરુદ્ધમાં જઈ લગ્ન કર્યા હતા. આ મુદ્દે ચૌધરી સમાજમાં અસંતોષ જોવા મળ્યો હતો. બીજી તરફ થોડા સમય પહેલા કિંજલ રબારી નામની યુવતીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ વિવાદ વધતાં રબારી તેમજ ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે ચર્ચા થતા રબારી સમાજની દીકરીને પરત મોકલવામાં આવી હતી.
આ અફરાતફરી દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયાની પણ માહિતી સામે આવી રહી છે
આ ઘટનાના આધારે હવે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા ઉણ ગામના રબારી યુવાન સાથે લગ્ન કરનાર પોતાની સમાજની દીકરીને પરત લાવવા માંગ ઉઠાવી છે. આ માંગ સાથે આજે ભાભરના રૂની ગામે ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બાદમાં હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામ તરફ કૂચ કરી પહોંચ્યા હતા. આ સમયે રબારી સમાજના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષ આમને-સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ટોળા દ્વારા પથ્થરમારો કરાયો હતો, જેમાં કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા તેમજ કેટલાક ઘરોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. આ અફરાતફરી દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયાની પણ માહિતી સામે આવી રહી છે.
હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે.
