દિલ્હીમાં લાંબા સમયથી ફરાર થયેલા બેન્ક ફ્રોડના આરોપી વિપિન રાઠીની CBIએ આખરે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા લગભગ 9 વર્ષથી ફરાર હતો અને વર્ષ 2017માં કોર્ટ દ્વારા ‘પ્રોક્લેમ્ડ ઓફેન્ડર’ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસ લગભગ 4.11 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ સાથે જોડાયેલો છે, જેમાં પંજાબ નેશનલ બેન્કની નજફગઢ શાખાને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આરોપી MCD પાર્કિંગમાં નોકરી કરતો હતો
CBIએ આ કેસ વર્ષ 2015માં નોંધ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કેટલાક લોકોએ મળીને ષડયંત્ર પૂર્વક બેન્ક સાથે છેતરપિંડી કરી હતી, જેમાં વિપિન રાઠીની પણ મુખ્ય ભૂમિકા હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ પણ તે કોર્ટમાં હાજર થયો ન હતો અને સતત પોલીસથી બચતો રહ્યો હતો. તાજેતરમાં CBIને માહિતી મળી કે આરોપી શાહદરા વિસ્તારમાં બલબીર નગરમાં ખોટી ઓળખ સાથે રહેતો હતો અને રાધુ પેલેસ મોલ નજીક MCD પાર્કિંગમાં નોકરી કરતો હતો. ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સ અને સૂત્રોની મદદથી 19 માર્ચ 2026ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ એક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી
બીજી તરફ દેહરાદૂનથી પણ એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. CBIની વિશેષ અદાલતે 55 લાખ રૂપિયાના PWD કૌભાંડમાં 8 સરકારી કર્મચારીઓને દોષી ઠેરવીને દરેકને 2 વર્ષની સખ્ત સજા ફટકારી છે. સાથે જ કુલ 2.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ વર્ષ 2001-02નો છે, જેમાં હરિદ્વાર PWD વિભાગના અધિકારીઓએ ખોટા ચેક દ્વારા સરકારી ખજાનામાંથી રકમ કાઢી લીધી હતી. આ બંને કેસોએ ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.
