કેન્દ્ર સરકારે LPG સપ્લાય વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તમામ રાજ્ય સરકારોને આ અંગે પત્ર લખીને જાણ કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ ડૉ. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આ પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 23 માર્ચ 2026થી આગામી સૂચના સુધી રાજ્યોને વધારાના 20 ટકા LPG ફાળવણી કરવામાં આવશે.
સરકારે વિતરણ માટે આ સૂચનાઓ આપી
આ વધારાની ફાળવણી બાદ કુલ સપ્લાય સંકટ પૂર્વના સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. સરકારે આ વધારાની ફાળવણીને પ્રાથમિકતા આધારિત વિતરણ માટે સૂચનાઓ આપી છે. આ નિર્ણય હેઠળ રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ખાદ્ય પ્રક્રિયા એકમો અને ડેરી ઉદ્યોગોને LPG ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી સબસિડાઈઝ્ડ કેન્ટીન, કોમ્યુનિટી કિચન અને જાહેર ભોજન કેન્દ્રોને પણ ગેસ ફાળવણી આપવામાં આવશે.
સ્થળાંતરિત કામદારોને 5 કિલો ગેસ મળશે
સાથે જ પ્રવાસી શ્રમિકો માટે 5 કિલોગ્રામ FTL (ફ્રી ટ્રાન્સફરેબલ લિમિટ) હેઠળ LPG ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વધારાની ફાળવણીનો દુરુપયોગ ન થાય તે માટે જરૂરી દેખરેખ અને નિયંત્રણ વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. આ પગલાને કારણે નાના ઉદ્યોગો, હોટેલ અને ખાદ્ય ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓને મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : Mumbai એરપોર્ટ પર દાણચોરી ઝડપાઈ, 2 કરોડની કિંમતનો નશીલો પદાર્થ પકડાયો
