મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિએ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ચિંતા વધારી દીધી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે સમુદ્રી માર્ગો પર મોટો ખતરો ઉભો થયો છે. ખાસ કરીને ઓઈલ ટેન્કર્સને નિશાન બનાવવામાં આવતા શિપમેન્ટમાં ભારે અડચણો ઉભી થઈ છે, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં અચાનક ભડકો જોવા મળી રહ્યો છે.
15 મહિનાની ટોચ પર ક્રૂડના ભાવ
આંકડાઓ પર નજર કરીએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો 7%ના ઉછાળા સાથે 15 મહિનાની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 82 ડોલર પ્રતિ બેરલના આંકડાને પાર કરી ગયું છે, જે જાન્યુઆરી 2025 પછીનું સૌથી ઉંચુ સ્તર છે. બીજી તરફ, અમેરિકન કાચા તેલ (WTI)ની કિંમત પણ 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ આ જ રીતે ચાલુ રહ્યો, તો બહુ જલ્દી ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીને પણ સ્પર્શી શકે છે.
સમુદ્રી માર્ગો પર સંકટ અને સપ્લાયની ચિંતા
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી નેવિગેશન પર રોક લગાવવાના અહેવાલો છે. આ એ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાભરનું મોટાભાગનું ઓઈલ શિપમેન્ટ પસાર થાય છે. ટેન્કરો પર હુમલાના ડરથી 200થી વધુ ઓઈલ અને ગેસ જહાજોએ આસપાસના વિસ્તારોમાં લંગર નાખી દીધા છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અને ઓપેક પ્લસ (OPEC+) દેશો પણ આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
ભારત પર શું અસર થશે?
આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે? અર્થશાસ્ત્રીઓના મતે, જ્યાં સુધી ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર ન કરે ત્યાં સુધી ભારતમાં ઇંધણના ભાવમાં તાત્કાલિક કોઈ મોટા વધારાની શક્યતા નથી. ભારત પાસે 74 દિવસ ચાલે તેટલો ગ્લોબલ રિઝર્વ અને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) છે. આ ઉપરાંત, ભારત પાસે રશિયા પાસેથી ક્રૂડ ઓઈડ આયાત કરવાનો મજબૂત વિકલ્પ હજુ પણ ઉપલબ્ધ છે. આમ છતાં, જો વૈશ્વિક બજારમાં કિંમતો બેકાબૂ બનશે, તો ભવિષ્યમાં ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 3 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે.
