દેશના ૭.૫ કરોડથી વધુ નોકરિયાત લોકો માટે એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. દર મહિને તમારી મહેનતની કમાણીમાંથી જે હિસ્સો કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) એટલે કે PF ખાતામાં જમા થાય છે, તેના પર મળનારા વ્યાજનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજ દરોની જાહેરાત કરી દેવામાં આવી છે.
સતત બીજા વર્ષે 8.25% વ્યાજ દર
EPFO ની સર્વોચ્ચ સંસ્થા ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ’ (CBT) એ નિર્ણય લીધો છે કે આ વખતે પણ PF માં જમા રકમ પર 8.25% ના દરે જ વ્યાજ ચૂકવવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે માર્કેટના ઉતાર-ચઢાવ છતાં તમારી જમા પૂંજી પર મળનારા રિટર્નમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. ગત નાણાકીય વર્ષ 2024-25માં પણ પીએફ પર 8.25 ટકા જ રિટર્ન નક્કી કરાયું હતું. નાણાકીય નિષ્ણાતોના મતે, આ નિર્ણય દર્શાવે છે કે EPFO તેના રોકાણકારોને કોઈપણ જોખમ વિના નિશ્ચિત અને સુરક્ષિત આવક આપવા માંગે છે. હવે CBT ના આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે, જ્યાંથી લીલી ઝંડી મળતા જ તે સબસ્ક્રાઇબર્સના ખાતામાં લાગુ થઈ જશે.
અગાઉના વર્ષોમાં કેટલું મળ્યું હતું વ્યાજ?
જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો, PF ના વ્યાજ દરોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. વર્ષ 2021-22માં વ્યાજ દર ઘટીને 8.10 ટકા પર આવી ગયો હતો, જે 1977-78 પછીના ચાર દાયકામાં સૌથી નીચું સ્તર હતું. બીજી તરફ, વર્ષ 2015-16માં કર્મચારીઓને 8.80 ટકા સુધીનું શાનદાર રિટર્ન પણ મળ્યું હતું, જ્યારે 2019-20 અને 2020-21માં આ દર 8.50 ટકા હતો.
કેવી રીતે નક્કી થાય છે PF નું વ્યાજ?
સામાન્ય કરદાતાને એ પ્રશ્ન જરૂર થાય કે આ વ્યાજ દર કેવી રીતે નક્કી થાય છે? ખરેખર, EPFO આપણા દ્વારા જમા કરાયેલા નાણાંનું સરકારી સિક્યોરિટીઝ, બોન્ડ્સ અને શેરબજાર (ઈક્વિટી) જેવી વિવિધ જગ્યાએ રોકાણ કરે છે. આ આખા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાંથી વર્ષ દરમિયાન જે કમાણી થાય છે, તેનું મૂલ્યાંકન કરીને નવા વ્યાજ દરનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે.
રિટાયરમેન્ટ પ્લાનિંગ પર શું અસર પડશે?
ભલે આ વખતે વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ 8.25 ટકાનું રિટર્ન આજે પણ બજારમાં ઉપલબ્ધ ઘણા પરંપરાગત બચત વિકલ્પો (જેમ કે બેંક FD) કરતાં ઘણું સારું છે. પીએફ એ મુખ્યત્વે લાંબા ગાળાનું રોકાણ છે, જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) નો મોટો ફાયદો મળે છે. તેથી, નોકરિયાત વર્ગ માટે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ એક શ્રેષ્ઠ અને જોખમ-મુક્ત વિકલ્પ બની રહે છે.
આ પણ વાંચો – Israel iran US War: ઇરાન ઇઝરાયલ યુદ્ધથી ફીક્કી પડશે તમારા ઘરની ચમક? પેઇન્ટ બનાવતી કંપનીઓને તગડો ઝટકો
