જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી એક મોટી ઘટના જમ્મુમાં બની છે. એક લગ્ન સમારોહ દરમિયાન અચાનક ફાયરિંગની ઘટના સામે આવી છે. આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિંદર ચૌધરી ઉપસ્થિત હતા. સદનસીબે બંને નેતાઓ સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાને પગલે સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે.
નેતાઓ વેન્યુ છોડી રહ્યા હતા ત્યારે થઈ ઘટના
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે જ્યારે ફારૂક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિંદર ચૌધરી કાર્યક્રમ પૂર્ણ કરીને ઘટના સ્થળેથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. સુરક્ષાકર્મીઓએ તુરંત જ બંને નેતાઓને સુરક્ષિત કવચ પૂરું પાડ્યું હતું. આ ફાયરિંગ વીવીઆઈપી નેતાઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યું હતું કે, કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
હુમલાખોર કમલ સિંહ જામવાલની ધરપકડ
ઘટના સ્થળે તૈનાત સુરક્ષાકર્મીઓએ સમયસૂચકતા વાપરીને હુમલાખોરને તુરંત જ દબોચી લીધો હતો. પકડાયેલા શંકાસ્પદ આરોપીની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે. પોલીસે તેની કસ્ટડી મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. ફાયરિંગ પાછળનો હેતુ શું હતો અને તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું તે દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ તેજ કરી છે.
સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો
આ હાઈ-પ્રોફાઈલ ઘટના બાદ જમ્મુના આખા વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ટૂંક સમયમાં આ મામલે સત્તાવાર વિગતો જાહેર કરશે. લોકશાહી ઢબે સરકારની રચના બાદ નેતાઓ પર આ પ્રકારના હુમલાના પ્રયાસે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીનું નિવેદન
આ ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી કહ્યું કે, અમે બધા સાથે છીએ. હું, અમારા નેતા ફારુક અબ્દુલ્લા અને નાસિર સાથે હતા… બધા સુરક્ષિત છે. પોલીસને પૂછવું જોઈએ કે, આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. ગ્રેટર કૈલાશના રોયલ પાર્કમાં આ ઘટના બની. ત્યાં સ્થાનિક પોલીસમાંથી કોઈ ન હતું. આ ખૂબ જ મોટી સુરક્ષા ભૂલ છે.
આ પણ વાંચો – Deepika Adhana: જંગના મેદાનમાંથી 169 ભારતીયોનું રેસ્ક્યુ, વાંચો ફરીદાબાદની 23 વર્ષીય પાયલોટની સાહસગાથા
