ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા પક્ષના સૌથી શક્તિશાળી ગણાતા ‘કોર ગ્રુપ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ગ્રુપમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેબિનેટના સિનિયર મંત્રીઓ અને સંગઠનના અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પક્ષના તમામ વ્યૂહાત્મક અને મહત્વના નિર્ણયો આ ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપ દ્વારા લેવામાં આવશે.
કોર ગ્રુપના મુખ્ય સભ્યો
જાહેર કરાયેલી યાદી મુજબ, આ ગ્રુપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને સંગઠન મહામંત્રી વી. રત્નાકર પણ આ જૂથનો મુખ્ય હિસ્સો છે. રાજ્ય સરકારના ત્રણ મહત્વના મંત્રીઓ જીતુ વાઘાણી, દર્શના વાઘેલા અને ઋષિકેશ પટેલને પણ આ જવાબદારી સોંપાઈ છે.
સિનિયર અને ક્ષત્રિય નેતાઓને સ્થાન
આ કોર ગ્રુપમાં પક્ષના બે સિનિયર ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજાનો સમાવેશ કરીને પક્ષે સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ બંને અનુભવી નેતાઓના સમાવેશથી પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂતી મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કોર ગ્રુપનું મહત્વ
કોર ગ્રુપમાં પાર્ટીલક્ષી તમામ મહત્વના નિર્ણય થતા હોય છે. તમામ નીતિવિષયક બાબતો પર આ ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ જ આખરી મહોર મારવામાં આવતી હોય છે. કેન્દ્રીય મંત્રીઓને પણ આ ગ્રુપમાં સ્થાન આપીને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધુ સારું સંકલન સાધવાનો પ્રયાસ કરાયો છે..
આ પણ વાંચો—- Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું
