Gujarat News: જાણો કોણ છે રાજકોટના રેન્જ IG નિર્લિપ્ત રાય? કેમ થઈ રહી છે ચર્ચાઓ

📅 Published: March 18, 2026 | 📂 Category: gujarat-news

સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની રાજકોટના રેન્જ આઈજી તરીકે બદલી થવાનો મામલો સૌથી ચર્ચાસ્પદ બન્યો હતો. આ બદલી થતાં જ ગેંગસ્ટર નિખિલ દોંગા દ્વારા સૌથી પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખવામાં આવી હતી કે, દબંગ અધિકારીની બદલીથી ગોંડલના ગુનેગારો કંટ્રોલમાં રહેશે. ત્યાર બાદ રાજકીય નિવેદનો પણ શરૂ થયા અને આખરે ગોંડલના જયરાજસિંહ જાડેજાએ પણ એવું કહેવું પડ્યું કે, મેં જ ગૃહ વિભાગને કોઈ કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરી હતી. નિર્લિપ્ત રાયએ રાજકોટના IPS અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામીણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં કાર્યરત માફિયાઓ અને દારૂના દાણચોરોમાં ગભરાટની ચર્ચા છે. ત્યારે જાણો કોણ છે આ દબંગ અધિકારી નિર્લિપ્ત રાય.

IPS નિર્લિપ્ત રાય મુળ ઉત્તર પ્રદેશના વતની

IPS નિર્લિપ્ત રાય મુળ ઉત્તર પ્રદેશના વતની છે. ગુજરાતમાં તેમણે અમરેલી, સુરત અને અમદાવાદમાં ફરજ બજાવી છે. સરકારે થોડા સમય માટે તેમને સ્ટેટ IBમાં પોસ્ટિંગ આપ્યું હતું. નિર્લિપ્ત રાયના અભ્યાસની વાત કરીએ તો તેઓ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.તેમની પત્ની ડોક્ટર તરીકે કામ કરે છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને 1977ની બેચના અધિકારી વરેશ સિંહના જમાઈ છે. તેઓ IPS અધિકારી લવિના સિંહાના સાળા છે. તેઓ અગાઉ પણ રાજકોટના આઈજી તરીકેનો ચાર્જ સંભાળી ચૂક્યા છે.

પ્રામાણિક આઈપીએસ ઓફિસર તરીકેની છાપ

IPS નિર્લિપ્ત રાય તેઓ પોતાની રીતે જ કામ કરે છે. આ ઉપરાંત તેઓ એક સુપર કોપ અને પ્રામાણિક આઈપીએસ ઓફિસર તરીકેની છાપ ધરાવે છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું માનવામાં આવે છે. અમરેલીમાં પણ તેમણે માફિયાઓમાં એવો ભય પેદા કર્યો હતો કે, કોઈ બુલેટ લઈને નીકળે તો પણ તેમના નામથી ફફડાટ ફેલાચો હતો. અમરેલીના એસપી તરીકેના કાર્યકાળમાં તેમણે અનેક પીઆઈને સસ્પેન્ડ કરીને પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ તેમની ટ્રાન્સફર સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ અધીક્ષક તરીકે કરાઈ હતી.આ દરમિયાન તેમણે દરેક જિલ્લામાં દારુ અને જુગારના અડ્ડાઓ તથા વિદેશી દારૂની હેરાફેરી કરનારા માફિયાઓમાં ભય પેદા કર્યો હતો.

બધાની નજર ગોંડલ પર છે

હવે જ્યારે તેમની રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે બધાની નજર ગોંડલ પર છે. હાલમાં ગોંડલ ગૂંડાગર્દી અને રાજકીય સર્વોપરિતા સહિત ક્ષત્રિય વર્ચસ્વના સંઘર્ષમાં છે. તેમની નિમણૂક બાદ એવું માનવામાં આવે છે કે, કોઈપણ મોટો ખુંખાર કે કુખ્યાત ગુનેગાર હોય કે બાહુબલી નેતા હોય ભાગ્યે જ કોઈ હથિયાર ઉપાડવાની કે કાયદાના સંઘર્ષમાં ફસાવાની હિંમત કરશે.

આ પણ વાંચોઃ Sabarkantha News : નકલી દૂધ બાદ હવે નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું, રાયગઢમાં 208 કિલો ઘીનો શંકાસ્પદ માલ જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *