ગુજરાતમાં આજે પેટ્રોલ અને ડિઝલના પુરવઠાને અસર પહોંચી છે. ગઈકાલથી ઘણા પંપ બંધ થયા છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સવારથી જ ખાનગી અને સરકારી પંપો પર પેટ્રોલ અને ડિઝલનું વેચાણ બંધ થયું હોવાનું જાણવા મળ્યું છે. કંપનીએ ક્રેડિટ પણ બંધ કરી હોવાથી તકલીફ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ટ્રેઝરરે કહ્યું હતું કે, ડેપોમાં જ સપ્લાય નથી આવતો જેના કારણે ગાડી નથી મળતી. જેથી આવી તકલીફ હજી ચાલુ રહેશે.
શોર્ટ સપ્લાયની અસર ઘટાડવા માટે રજૂઆત
આજે રાજકોટના પેટ્રોલ અને ડીઝલના ડીલરો IOC અધિકારીઓને મળશે. પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને શોર્ટ સપ્લાયની અસર ઘટાડવા માટે રજૂઆત કરશે. સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના જથ્થાને પેટ્રોલ પંપ સુધી પૂરતા પ્રમાણમાં પહોંચાડવા પ્રયાસ કરાશે. જ્યાં સુધી પુરતો જથ્થો ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી પેટ્રોલપંપ સુચારૂ રૂપે કાર્યરત કરવા મુશ્કેલ છે. અમદાવાદ અને રાજકોટ સહિત વડોદરાના ખાનગી પેટ્રોલ પંપ બંધ થવાના આરે આવ્યા છે.
સરકાર રીફાઈન ચાર્જ ભોગવવા તૈયાર નથી
સુત્રોનું કહેવું છે કે, સરકાર રીફાઈન ચાર્જ ભોગવવા તૈયાર નથી. બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવ વધતા અસર થઈ છે. રીફાઈન ચાર્જ 30 ટકા વધ્યો છે. સરકાર માત્ર સરકારી પંપનો ખર્ચ ભોગવશે. ખાનગી કંપનીઓએ ચાર્જ ચૂકવવો પડશે. હવે ખાનગી કંપની તૈયાર થાય તેના પર નિર્ભરતા છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં ઉપરથી સ્ટોક નહીં આવતા પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. BPCL, HP અને નાયરાના પંપ પર અસર જોવા મળી છે. જથ્થાના અભાવે પેટ્રોલ પંપ બંધ રાખવા પડ્યા છે.
