ઉત્તર પ્રદેશમાં હોળીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી, પણ પરંપરા, ભક્તિ અને અતૂટ આસ્થાનો સંગમ છે. મથુરાની કુંજગલીઓથી લઈને અયોધ્યા અને કાશીના ઘાટ સુધી, સમગ્ર રાજ્ય અત્યારે ફાગણના ગીતો અને અબીર-ગુલાલની વર્ષામાં ન્હાઈ રહ્યું છે.
કાશીમાં રંગભરી એકાદશીનો મહિમા
બુધવારે કાશી નગરી પોતાની અનોખી શૈલીમાં હોળીની ઉજવણી કરશે. રંગભરી એકાદશી નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો ભગવાન શિવ સાથે હોળી રમશે. આ દિવસે પરંપરાગત રીતે ટેસુના ફૂલોથી બનેલા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવશે. વહેલી સવારથી જ મૈદાગીન વિસ્તારથી ભક્તોના ટોળા ઢોલ-નગારા અને ઝાંઝ-પખવાજ સાથે ‘બાબા’ના દર્શને ઉમટશે. યુવાનોની ટોળીઓ ઠંડાઈ અને ભાંગની લિજ્જત સાથે ભજનોની રમઝટ બોલાવશે. ભક્તો અને ભગવાન વચ્ચેના આ અનોખા મિલનમાં આખું આકાશ ગુલાબી થઈ જશે.
શાહજહાંપુરની અનોખી ‘લાટ સાહેબ’ યાત્રા
હોળીના દિવસે શાહજહાંપુરમાં વર્ષો જૂની અને વિલક્ષણ પરંપરા જોવા મળે છે. અહીં બુધવારે સવારે ‘છોટા’ અને ‘બડા’ લાટ સાહેબની શોભાયાત્રા નીકળશે. બડે લાટ સાહેબને ભેંસ ગાડીમાં બેસાડીને સરાફા બજારમાં ફેરવવામાં આવશે. આ યાત્રા દરમિયાન સુરક્ષા માટે અર્ધલશ્કરી દળો તૈનાત હોય છે. પરંપરા મુજબ, લાટ સાહેબનું સ્વાગત જૂતા-ચંપલ અને સાવરણીથી કરવામાં આવે છે, જે બાદમાં ચોક કોતવાલી ખાતે સલામી અને ભેટ સાથે પૂર્ણ થાય છે.
ચારેબાજુ ભક્તિ અને આનંદનો માહોલ
માત્ર કાશી જ નહીં, પણ અયોધ્યા અને મથુરામાં પણ હોળીના રંગો પૂરજોશમાં છે. લોકો મૃદંગના તાલે નાચી રહ્યા છે અને એકબીજાને ગુલાલ લગાવીને ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે. કાશીમાં તો શિવજી ઘોડા પર સવાર થઈને નગરમાં ભ્રમણ કરશે તેવી વિશેષ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.
