IND Vs ENG મેચમાં કોણ હશે એક્સ-ફેક્ટર? ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

📅 Published: March 4, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં કઈ બે ટીમો પ્રવેશ કરશે તેના પર બધાની નજર છે. પહેલી સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાંથી એક ટીમ ફાઈનલમાં સ્થાન મેળવનારી પહેલી ટીમ બનશે.

આ દરમિયાન બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે આમને-સામને હશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી ગણાવ્યો હતો.

જસપ્રીત બુમરાહ પાસે ફેન્સને છે ઘણી આશા

મોહમ્મદ કૈફ માને છે કે સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે. તેને પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહ સૌથી મોટો એક્સ ફેક્ટર રહેશે.

જસપ્રીત બુમરાહની 4 ઓવર નિર્ણાયક રહેશે. આંકડા પણ બુમરાહના પક્ષમાં હોય તેવું લાગે છે. તેને અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ સામે 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને 9 વિકેટ લીધી છે. તેની એવરેજ 9.11 છે અને ઈકોનોમી રેટ 5.34 છે, જે તેની ક્ષમતા દર્શાવે છે.

વાનખેડેની પિચ કોને કરશે મદદ?

મોહમ્મદ કૈફે મેચ પહેલા વાનખેડે પિચ વિશે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમનું માનવું છે કે ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાની પરંપરાગત વિચારસરણી અહીં બદલાઈ શકે છે અને બીજી ઈનિંગમાં ઝાકળનું પરિબળ એટલું નોંધપાત્ર નહીં હોય.

તેમને કહ્યું કે “આ એક અલગ પિચ છે. વાનખેડે પિચ થોડી બદલાઈ ગઈ છે. લોકો સામાન્ય રીતે માને છે કે જો તમે વાનખેડેમાં ટોસ જીતો છો, તો તમારે પહેલા બોલિંગ કરવી જોઈએ કારણ કે લાઈટ્સ ઝાકળ લાવે છે, જેનાથી પીછો કરવો સરળ બને છે. પરંતુ આ વાનખેડે પિચ ઈડન ગાર્ડન્સથી ઘણી અલગ છે. ઈડન ગાર્ડન્સમાં અમે જોયું કે જ્યારે ઝાકળ આવે છે, ત્યારે તેની મેચ પર સ્પષ્ટ અસર પડે છે. પાછળથી બેટિંગ સરળ બની જાય છે. પરંતુ વાનખેડેમાં એવું જરૂરી નથી. અમે તાજેતરની કેટલીક મેચોમાં આવું જોયું છે. ઈંગ્લેન્ડ પણ વેસ્ટ ઈન્ડીઝ સામે 180 રનનો પીછો કરવામાં અટવાઈ ગયું હતું.”

મોહમ્મદ કૈફના નિવેદન પરથી ખ્યાલ આવે છે કે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં વાનખેડેની પિચની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પરિસ્થિતિમાં જસપ્રીત બુમરાહની 4 ઓવર મહત્વપૂર્ણ રહેશે. જસપ્રીત બુમરાહ સહિત તમામ ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડ સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: T20 World Cup 2026 પછી પાકિસ્તાની ક્રિકેટમાં હંગામો! સિલેક્ટરે રાજીનામું આપ્યા બાદ બાબર આઝમ વિશે કર્યો ખુલાસો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *