આઈપીએલની 19મી સીઝનનો શંખનાદ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષે પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમવાર ટ્રોફી જીતનાર RCB માટે આ વખતે રસ્તો સરળ નહી હોય કારણ કે આઇપીએલનો ઇતિહાસ કંઈક અલગ જ તથ્ય રજુ કરે છે.
ઓપનિંગ મેચનો ‘ડેન્જર ઝોન’
આઈપીએલના 18 વર્ષના ઇતિહાસમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મેચ રમવી એ હંમેશા નસીબદાર સાબિત થતું નથી. 18 સીઝનમાંથી ફક્ત 7 વખત એવું બન્યું છે કે ઓપનિંગ મેચ રમનારી ટીમ તે જ વર્ષે ચેમ્પિયન બની હોય. ઓપનિંગ મેચ જીતનારી ટીમ માત્ર 4 વખત (2011, 2014, 2018, 2025) ટાઈટલ જીતી શકી છે. 3 વખત (2015, 2020, 2023) એવું પણ બન્યું છે કે પહેલી મેચ હારવા છતાં ટીમે ટ્રોફી જીતી હોય.
| ટીમ | કુલ ખિતાબ | વર્ષ |
| મુંબઇ ઇન્ડિયન્સ (MI) | 5 | 2013, 2015, 2017, 2019, 2020 |
| ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) | 5 | 2010, 2011, 2018, 2021, 2023 |
| કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) | 3 | 2012, 2014, 2024 |
| સનરાઇઝર્સ હૈદરાબાદ (DC) | 2 | 2009, 2016 |
| RR,GT,RCB | 1-1 | 2008, 2022, 2025 |
હજુ પણ ટ્રોફીની રાહ જોતી ટીમો
જ્યાં એક તરફ RCB એ ગયા વર્ષે પોતાનો વનવાસ ખતમ કર્યો, ત્યાં દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) હજુ પણ પોતાની પહેલી ટ્રોફીની રાહ જોઇ રહી છે. આ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પણ 2022 થી રેસમાં હોવા છતાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી.
શું છે ખાસ?
આ વખતે ઓપનિંગ મેચમાં જ ગયા વર્ષની વિજેતા ટીમ મેદાનમાં છે. શું RCB આ ‘ઓપનિંગ મેચ’ના શ્રાપને તોડીને સતત બીજી વાર ચેમ્પિયન બનશે? કે પછી સનરાઈઝર્સ હૈદરાબાદ બાજી મારી જશે? તે તો હવે આગામી સમય જ કહેશે.
આ પણ વાંચો- Harshit Rana IPL 2026 માંથી થયો બહાર,સામે આવ્યું ચોંકાવનારું કારણ
