Iran Israel War : અમેરિકાના હુમલાથી ઈરાનનું જહાજ થયું ધ્વસ્ત, વિદેશમંત્રીએ જણાવ્યું ભારતનું સ્ટેન્ડ

📅 Published: March 7, 2026 | 📂 Category: national

હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધ જહાજ IRIS ડેના ડૂબી જવાથી સર્જાયેલા તણાવ વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારતે બીજા ઈરાની જહાજ, IRIS Lavanને ફક્ત ‘માનવતાવાદી ધોરણે’ કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી છે. તેમણે હિંદ મહાસાગરમાં વિદેશી લશ્કરી કર્મચારીઓની લાંબા સમયથી રહેલી હાજરી તરફ પણ ધ્યાન દોર્યું.

1 માર્ચે તે જહાજને આવવાની મંજૂરી આપી

જયશંકરે કહ્યું, “અમને ઈરાની બાજુથી સંદેશ મળ્યો કે તેમનું એક જહાજ, જે કદાચ તે સમયે આપણી સરહદની સૌથી નજીક હતું, આપણ બંદર પર આવવા ઈચ્છતું હતું, તેઓ જાણ કરી રહ્યા હતા કે તેમના જહાજમાં કોઈ સમસ્યા છે. ત્યારબાદ આપણે 1 માર્ચે તે જહાજને આવવાની મંજૂરી આપી અને તેમને પહોંચવામાં થોડા દિવસ લાગ્યા અને પછી તેઓ કોચીમાં ડોક થયા.” ત્રીજા જહાજ, IRIS બુશેહર એ શ્રીલંકાના પાણીની બહાર એન્જિનમાં ખામીની જાણ કરી અને મદદ માગી, ત્યારબાદ શ્રીલંકાએ તેને ડોક કરવાની મંજૂરી આપી.

વિદેશ મંત્રીનું આ નિવેદન ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના ક્રોસફાયરમાં ફસાયેલા ત્રણ ઈરાની નૌકાદળના જહાજોના સંદર્ભમાં આવ્યું છે. આ જહાજો – IRIS દેના, IRIS લાવન અને IRIS બુશેહર – હિંદ મહાસાગરમાં હતા અને ફેબ્રુઆરીના અંતમાં વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ અને મિલન 2026 કવાયતમાં ભાગ લીધો હતો.

કમનસીબે, એક પણ જહાજ બચી શક્યું નહીં

જયશંકરે કહ્યું “ચોક્કસપણે, શ્રીલંકામાં પણ આવી જ પરિસ્થિતિ હતી. તેમણે જે નિર્ણય લેવો જોઈતો હતો તે લીધો. કમનસીબે, એક પણ જહાજ બચી શક્યું નહીં. અમે કાનૂની મુદ્દાઓ ઉપરાંત, માનવતાવાદી દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને જોઈ અને મને લાગે છે કે અમે યોગ્ય કાર્ય કર્યું.”

ડિએગો ગાર્સિયા, જીબુટી અને હમ્બનટોટા જેવા વિદેશી લશ્કરી થાણાઓનો ઉલ્લેખ કરતા તેમણે સંકેત આપ્યો કે આ પ્રદેશ લાંબા સમયથી વૈશ્વિક લશ્કરી શક્તિઓની હાજરીનો સાક્ષી રહ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું, “આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તમે હિંદ મહાસાગરની વાસ્તવિકતા સમજો. ડિએગો ગાર્સિયા છેલ્લા પાંચ દાયકાથી હિંદ મહાસાગરમાં છે. જીબુટીમાં વિદેશી દળો તૈનાત છે તે હકીકત આ સદીના પહેલા દાયકાની છે. તે જ સમયગાળા દરમિયાન હમ્બનટોટાનો ઉદભવ થયો હતો.” ચાગોસ ટાપુઓમાં યુકે-યુએસ સંયુક્ત સૈન્ય બેઝ છે. ડિએગો ગાર્સિયા, 1970ના દાયકાની શરૂઆતથી સ્થિત છે.

આ પણ વાંચો : Iran-Israel War : ઈરાનનો દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોનથી હુમલો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *