મધ્યપૂર્વ યુદ્ધ વધુ ભીષણ બનતા વૈશ્વિક સ્તરે તેલના સંકટમાં વધારો થયો છે. ભારત દ્વારા ઉર્જા અને પુરવઠાનું સંકટ ઘટાડવા પ્રયાસ હાથ ધરાયા. જે અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજને લઈને વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઇરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે વાતચીત થઈ. જેમાં ભારતને મોટી સફળતા મળી. ઇરાને લીલી ઝંડી આપતા ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. જેના બાદ હાલમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોના કાફલા સાથે ભારતીય જહાજ શિવાલિક ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું છે.
ભારતીય નૌકાદળના કાફલા સાથે શિવાલિક જહાજ સુરક્ષિત
શિવાલિક જહાજ 40,000 મેટ્રિક ટન LPG લઈને દરિયામાંથી પસાર થતા ભારતની નૌકાદળને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ પ્રયાસમાં સફળતા મળ્યા બાદ શિવાલિક પછી બીજું LPG ભરેલું જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે તેવી એક મીડિયા રીપોર્ટમાં સામે આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી, આ જહાજ આગામી થોડા દિવસોમાં ભારત પહોંચશે. ત્યારબાદ, LPG ભરેલા ઘણા જહાજો ભારત માટે રવાના થશે. બધાને ઈરાન તરફથી પરવાનગી મળી ગઈ છે. ભારતના લોકો માટે આ એક મોટી રાહત કહી શકાય. હવે ભારતના લોકોને LPG ગેસની અછતનો સામનો કરવો પડશે નહીં.
પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
મીડિયા અહેવાલ મુજબ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અગાઉ, પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચેની સકારાત્મક વાતચીત પછી જ ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની મંજૂરી આપી હતી. સરકારનો દાવો છે કે શિવાલિક જેવા અન્ય જહાજો ટૂંક સમયમાં ભારત પહોંચશે.
યુએઈ નજીક એલપીજી ભરેલું ભારતીય જહાજ લંગરાયું
યુએઈ નજીક મીના સકર બંદર વિસ્તારમાં એક ભારતીય જહાજ લાંગરેલું છે. આ જહાજમાં એલપીજી ગેસનું ટેન્કર છે. આ ટેન્કરમાં ૩.૬ મિલિયન ગેસ સિલિન્ડર ભરી શકાય છે. જહાજના કેપ્ટન વીરેન્દ્રના જણાવ્યા અનુસાર, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી તે અને તેના ક્રૂ સભ્યો અહીં ફસાયેલા છે. આ જહાજ કુવૈતના મીના અલ અહમદી બંદરથી ગુજરાતના દીનદયાળ કંડલા બંદર માટે રવાના થયું હતું. ૨૮ ફેબ્રુઆરીથી, જહાજ યુએઈ નજીક મીના સકર બંદર વિસ્તારમાં લાંગરેલું છે. કેપ્ટને તેમના પરિવાર દ્વારા સરકાર અને નૌકાદળને સુરક્ષિત પરત ફરવા માટે અપીલ કરી છે.
દેશમાં ગેસની અછતનો સરકારનો ઇનકાર
એ નોંધવું જોઈએ કે દેશ છેલ્લા અઠવાડિયાથી LPG ગેસની અછતનો સામનો કરી રહ્યો છે. ગેસ એજન્સીઓની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. દેશના વિવિધ ભાગોમાંથી હજુ પણ ગેસની અછતના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, ભારત સરકારે શરૂઆતમાં ગેસની કોઈપણ અછતનો ઇનકાર કર્યો છે અને જનતાને ખાતરી આપી છે કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ખોટી માહિતીના કારણે ગભરાટ ભર્યા બુકિંગ અને સંગ્રહખોરી વધી છે. સરેરાશ ઘરેલુ LPG ડિલિવરી ચક્ર આશરે અઢી દિવસનું છે.
ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી
સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ડાયવર્ઝન અટકાવવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, ગ્રાહકોએ તેમના સિલિન્ડર મેળવવા માટે ડિલિવરી કરનાર વ્યક્તિને એક કોડ આપવો આવશ્યક છે. માંગને નિયંત્રિત કરવા માટે કામચલાઉ પગલા તરીકે, LPG બુકિંગ વચ્ચેનો લઘુત્તમ અંતરાલ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઇલની વાત કરીએ તો, પરિસ્થિતિ ઘણી સારી છે.
