પશ્ચિમ એશિયા સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે ગ્લોબલ સપ્લાય ચેન પર માઠી અસર પડી રહી છે. ભારત પોતાના રસોઈ ગેસ (LPG) ની જરૂરિયાત પૂરી કરવા માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં LPG ની અછત સર્જાય અથવા તેના ભાવ આસમાને પહોંચે તેવો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. પરંતુ, આ વૈશ્વિક સંકટનો સામનો કરવા અને દેશવાસીઓને રાહત આપવા માટે ભારતે એક મજબૂત ‘પ્લાન બી’ તૈયાર કરી લીધો છે. ભારત હવે પોતાનો સ્વદેશી ગેસ ‘DME’ ના ઉત્પાદન પર ઝડપથી કામ કરી રહ્યું છે.
શું છે આ નવો ગેસ DME?
DME એટલે કે ડાય-મિથાઈલ ઈથર (Dimethyl ether). આ એક વિશેષ પ્રકારનો ગેસ છે જેને મિથેનોલની મદદથી કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે. આ ગેસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો મૂળ સ્ત્રોત મિથેનોલ બાયોમાસ, કોલસો અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ (CO2) માંથી પણ સરળતાથી મેળવી શકાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, LPG અને DMEના રાસાયણિક ગુણો એકબીજા સાથે ખૂબ જ મળતા આવે છે. આ જ કારણસર તેને ભવિષ્યના શ્રેષ્ઠ અને સ્વચ્છ ઈંધણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
નવો ચૂલો કે સિલિન્ડર ખરીદવાની કોઈ જરૂર નથી!
જ્યારે પણ માર્કેટમાં કોઈ નવું ઈંધણ આવે છે, ત્યારે સામાન્ય જનતાને સૌથી મોટી ચિંતા નવા સાધનો પાછળ થતા ખર્ચની સતાવે છે. પરંતુ DMEના કિસ્સામાં સૌથી મોટી રાહત એ છે કે ગ્રાહકોએ કોઈ આર્થિક બોજ ઉઠાવવો નહીં પડે. નિષ્ણાત આશિષ લેલેના જણાવ્યા અનુસાર, ઘરમાં રહેલા જૂના ગેસ સિલિન્ડર, રેગ્યુલેટર, પાઇપ અને બર્નર વાળા ચૂલા આ નવા ગેસ સાથે પણ બિલકુલ સામાન્ય રીતે જ કામ કરશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ઘરેલુ અને વ્યાપારી ઉપયોગ માટે LPGમાં DME ભેળવવાના તકનીકી માપદંડો પણ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે.
ભારત માટે આ ગેસ શા માટે ગેમ-ચેન્જર છે?
હાલમાં ભારત તેની LPGની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશોમાંથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતી કોઈપણ ઉથલપાથલની સીધી અસર ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ-નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR-NCL)ના વૈજ્ઞાનિકોએ કમર કસી છે. પ્રયોગશાળામાં તાજેતરમાં જ DMEના ઉત્પાદન માટે એક પાયલોટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, અને ભવિષ્યમાં તેનું મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
જો આ પાયલોટ પ્રોજેક્ટ મોટા પાયે સફળ થશે, તો ભારતે વિદેશી ગેસ પર નિર્ભર નહીં રહેવું પડે, જેનાથી દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે અને સામાન્ય જનતાને સસ્તા ભાવે સ્વચ્છ રસોઈ ગેસ ઉપલબ્ધ થઈ શકશે.
