સેમીફાઈનલમાં કારમી હાર બાદ ન્યુઝીલેન્ડે 2026ના T20 વર્લ્ડકપ ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું. આ રીતે ન્યુઝીલેન્ડ ટીમ બીજી વખત T20 વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા કિવી ટીમ 2021ના T20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. હવે કિવી ટીમ પાસે ટાઈટલ જીતવાની શાનદાર તક છે.
ફિન એલને રમી ઐતિહાસિક ઈનિંગ
ઓપનર ફિન એલને ન્યુઝીલેન્ડને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એલને માત્ર 33 બોલમાં ધમાકેદાર સદી ફટકારી અને માત્ર 12.5 ઓવરમાં જ પોતાની ટીમને જીત અપાવી. એલને પોતાની રેકોર્ડબ્રેક સદીમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. ઓપનર ટિમ સાઈફર્ટે પણ 58 રન બનાવ્યા.
આ પહેલા સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આફ્રિકન ટીમની ઈનિંગમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, પરંતુ અંતે માર્કો યાન્સેનની વિસ્ફોટક બેટિંગને કારણે સ્કોર 150 રનને પાર કરી ગયો. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને શરૂઆતમાં તેમનો નિર્ણય સાચો સાબિત થયો. સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોક અને રિયાન રિકલ્ટનની વિકેટો માત્ર 12 રનમાં ગુમાવી દીધી. શરૂઆતની નિષ્ફળતાઓને કારણે ટીમ દબાણમાં આવી ગઈ.
કેપ્ટન એડન માર્કરામ અને ડેવાલ્ડ બ્રેવિસે ત્રીજી વિકેટ માટે 43 રન બનાવીને ઈનિંગને પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ માર્કરામ 55ના સ્કોર પર 18 રન બનાવીને આઉટ થઈ ગયા. ડેવિડ મિલર અને બ્રેવિસ આઉટ થતાં જ ટીમે 77 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. તે સમયે 130 સુધી પહોંચવું પણ મુશ્કેલ લાગતું હતું.
માર્કો યાન્સને ફટકારી અડધી સદી
આ મુશ્કેલ સમયમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને માર્કો યાન્સને બાજી સંભાળી. તેમને છઠ્ઠી વિકેટ માટે 73 રન બનાવ્યા, ઈનિંગને પુનર્જીવિત કરી અને સ્કોર 150ની નજીક લઈ ગયા. લોકી ફાર્ગ્યુસને સ્ટબ્સને આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી. સ્ટબ્સે 29 રન બનાવ્યા. વિકેટોના સતત પતન છતાં માર્કો યાન્સને એક છેડે ધમાકેદાર રમ્યો. તેને માત્ર 30 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 55 રન બનાવ્યા. આ આક્રમક ઈનિંગને કારણે સાઉથ આફ્રિકા 8 વિકેટે 169 રન બનાવવામાં સફળ રહ્યું.
કિવીઝ તરફથી રચિન રવિન્દ્રએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી. મેટ હેનરીએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી. કોલ મેકકોન્ચીએ 1 ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે લોકી ફાર્ગ્યુસન અને જીમી નીશમે 1-1 વિકેટ લીધી.
